ગોધરા તાલુકાના અંબાલી ખાતે શિક્ષણમંત્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન યોજાયું

ગોધરા,પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના અંબાલી ખાતે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત તથા જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-પંચમહાલ, જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી-પંચમહાલ,જીલ્લા વિજ્ઞાન મંડળ અને જીલ્લા શિક્ષણ સમિતિ-પંચમહાલના સંયુક્ત ઉપક્રમે પંચમહાલ જીલ્લાનું જીલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે શિક્ષણમંત્રીએ રાષ્ટ્રના ભવિષ્ય એવા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે જીજ્ઞાસા ઉત્તરોત્તર વધારવાનો છે.આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં પણ બાળકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે તે જાણીને મંત્રીએ આનંદ વ્યકત કર્યો હતો તથા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. આ સાથે શિક્ષણ મંત્રીએ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના નવીન મકાનનું નિરીક્ષણ કરીને વિવિધ સૂચનો કર્યાં હતા.

આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, ધારાસભ્ય સર્વ નિમિષાબેન સુથાર, સી.કે. રાઉલજી, ફતેહસિંહ ચૌહાણ, જીલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ સહિત વિવિધ મહાનુભાવો, હોદ્દેદારો અને અધિકારીગણ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.