પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સપેક્ટરની મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 12 જૂન 2022ના રોજથી પરીક્ષા ચાલુ થશે. જ્યારે ત્રીજો અને અંતિમ પેપર 19મી જૂન 2022ના રોજ લેવાશે. 5 જૂન, 2022ના રોજથી OJAS પરથી પ્રીલિમ પરીક્ષામાં પસંદ થયેલા ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. PSIની મુખ્ય પરીક્ષા ગાંધીનગર ખાતે યોજાશે.
PSI રિક્રૂટમેન્ટના ડાયરેક્ટર જનરલ IPS વિકાસ સહાયે આ અંગે માહિતી આપી છે. તેથી જે ઉમેદવારોએ પ્રીલિમ પરીક્ષા પાસ કરેલી હોય તેઓ મેઇન્સની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી દો.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા વેબસાઈટ પર મુખ્ય પરીક્ષા અંગે જાહેરાત કરતાં માહિતી આપવામાં આવી છે કે પો.સ.ઇ. કેડરની મુખ્ય પરીક્ષા તા.12/06/2022 (રવિવાર)ના રોજ (પેપર-1 ગુજરાતી ભાષા અને પેપર-2 અંગ્રેજી ભાષા) તથા તા.19/06/2022 (રવિવાર)ના રોજ (પેપર-3 સામાન્ય જ્ઞાન અને પેપર-4 કાયદાકીય બાબતો) ગાંધીનગર ખાતે યોજવામાં આવનાર છે. તા.12/06/2022ના રોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.05/06/2022ના રોજ OJASની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે તથા તા.19/06/2022ના રોજ યોજાનાર પરીક્ષા માટેના કોલલેટર તા.12/06/2022ના રોજ પરીક્ષા પૂર્ણ થયા બાદ OJASની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. જે અંગે તમામે નોંધ લેવી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ગુજરાત પોલીસ દ્વારા શારીરિક કસોટી બાદ લેવાયેલી PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં કુલ 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે. પોલીસ સબ ઇન્સપેક્ટરની કુલ 1382 જગ્યા માટે લેવાયેલી પરીક્ષામાં આ પરીક્ષા લેવામાં આવી હતી.
06/03/2022 ના રોજ પ્રિલિમીનરી પરીક્ષા લેવાઇ હતી. જેમાં 96,269 ઉમેદવારોને કોલ લેટર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. તે પૈકીનાં કુલ 88,880 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા. કટ ઓફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. PSI ની પરીક્ષા 2939 પુરૂષ ઉમેદવાર, 1313 મહિલા ઉમેદવાર 59 માજી સૈનિક તેમ કુલ 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલીફાઇ જાહેર થયા છે.