
મલેકપુર,મહીસાગર જિલ્લા કલેકટર દ્વારા સસ્તા અનાજની સરકારી દુકાનો ઉપર અલગ અલગ ટીમો બનાવી તપાસનો દોર ચાલુ કરતા આકસ્મિક તપાસમાં અનેક ગેરરીતી ઝડપાતા ત્રણ દુકાનદારોના પરવાના 60 દિવસ માટે તેમજ એક દુકાનદારના 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ગેરરીતી આચરનાર વિરૂદ્ધ પંચમહાલ જિલ્લા જેવી કડક કાર્યવાહીના બદલે દુકાનદારોના પરવાના ટૂંકાગાળા માટે સસ્પેન્ડ કરાતા અનેક તર્ક વીતર્કો સાથે રેશનકાર્ડ ધારકોમાં છુપા રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને મફત અનાજ મળી તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અનાજ યોજનાને વધુ પાંચ વર્ષ સુધી લંબાવી છે, તો કેટલાક કાળાબજારિયા ગરીબોને પુરતુ અનાજ આપતા નથી. તેવી વ્યાપક ફરિયાદોના પગલે મહીસાગર જિલ્લા કલેકટરના આદેશથી જિલ્લાના અલગ અલગ મામલતદારો દ્વારા ક્રોસ વેરિફિકેશન કરી દુકાનોમાં તપાસો કરવામાં આવી હતી. તેમાં તપાસ કરનાર અમલદારો દ્વારા પણ તપાસ નો અહેવાલ જિલ્લા પુરવઠા અધિકારીને મોકલ્યો હતો તેમાં મામલતદાર તેમજ તેમની ટીમો દ્વારા અલગ અલગ ગામોમાં જઈ રેશનકાર્ડ ધારકોના રૂબરૂમાં જવાબો લેતા ટીમની સાથે મામલતદારો ખુદ ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ અલગ અલગ પ્રકારની તપાસો કરી જિલ્લા વહીવટી તંત્રને આ બાબતનો આગળની નિયમો અનુસાર ની કાર્યવાહી કરવા માટેનો એહવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો, પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા જ્યારે કાળા બજારિયાઓને મોકલું મેદાન આપતા હોય તેવી રીતે માત્ર ત્રણ દુકાનદારોના પરવાના 60 દિવસ માટે તેમજ એક દુકાનદારના 30 દિવસ માટે સસ્પેન્ડ કરી સંતોષ માન્યો હતો. ત્યારે આ બાબતની કાર્યવાહી જોઈ રેશનકાર્ડ ધારકોમાં છૂપો રોષ જોવા મળે છે. ત્યારે બીજી તરફ બાજુના પંચમહાલ જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાળાબજારીયાઓ વિરૂદ્ધ સખતમાં સખત કાર્યવાહી હેઠળ જેલની સજાની જોગવાઈ ધરાવતા કાયદામાં તેઓને સકંજામાં લીધા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં માત્ર કાર્યવાહી દેખાવ પૂરતી કરીને સંતોષ માનતું તંત્ર બાજુના જિલ્લાના અધિકારીઓથી શીખ મેળવે તેવી રેશનકાર્ડ ધારકોમાં લાગણી પ્રવર્તી રહી છે.
જિલ્લા તંત્ર દ્વારા વ્યાજબી ભાવની દુકાનની તપાસણી અન્વયે કરેલ કાર્યવાહીની વિગત…..
(1)કનૈયાલાલ અંબાલાલ પંડયા, મુ. મુડાવડેખ તા.ખાનપુર જિ.મહીસાગર, સીઝ કરેલ જથ્થાની રકમ રૂ.54317/- (2)એસ.એમ.વસાવા, મુ.કઢયા તા.બાલાસિનોર જિ.મહીસાગર, સીઝ કરેલ જથ્થાની રકમ રૂ.438/- (3) ઘી નગરપંચાયત કર્મચારી ઘીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. શાખા-1 મુ. લુણાવાડા તા. લુણાવાડા જિ.મહીસાગર સીઝ કરેલ જથ્થાની રકમ રૂ.6696/-ત્રણે દુકાનોનો પરવાનો 60 દિવસ માટે મોકુફ કરેલ છે. જયારે (4) મોહંમદ ઇશાકભાઇ હનીફભાઇ શેખ, મુ. ખાતવા તા.કડાણા જિ.મહીસાગરની દુકાનમાં જથ્થામાં ઘટ જણાતા દુકાનનો પરવાનો 30 દિવસ માટે મોકુફ કરેલ છે.