ઝાલોદ નગરમાં સુંદરકાંડ સ્પર્ધાના ભવ્ય આયોજનને લઈ નગરમાં જોવાતો અનેરો ઉત્સાહ

ઝાલોદ,ઝાલોદ નગરમાં આગામી તારીખ 24-12-2023 રવિવારના રોજ આંતર રાજ્ય તૃતીય ભવ્ય સંગીતમય સુંદરકાંડ પઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ ધાર્મિક આયોજનને નગરના સહુ સનાતન હિન્દુ ધાર્મિક સંગઠનો દ્વારા બહોળો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહેલ છે. આ સુંદરકાંડ સ્પર્ધાના આયોજનને આખરી ઓપ આપવા નગરના તમામ હિન્દુ સંગઠનોની એક મીટિંગ વણકતળાઈ હનુમાનજી મંદિર ખાતે રાખવામાં આવી હતી. આ મીટીંગમાં તમામ હિન્દુ સંગઠનના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ ઉપસ્થિત લોકો દ્વારા કામોમાં સંપૂર્ણ સહકાર સાથે એક જૂટ રહી ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા બાંહેધરી આપવામાં આવી હતી.

ઝાલોદ નગરમાં આ અગાઉ પણ બે વખત સુંદરકાંડ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવેલ છે. તેની ભવ્ય સફળતા અને સુંદર આયોજનને લઈ નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. નગરમાં આ સુંદરકાંડ સ્પર્ધાનું આયોજન નગરની વચ્ચે આવેલ બી.એમ.હાઈસ્કૂલના પ્રાંગણમાં કરવામાં આવી રહેલ છે.

આ વખતે સુંદરકાંડ સ્પર્ધાનુ આયોજન અયોધ્યામાં રામમંદિરના થતા ભવ્ય નિર્માણને લઈ નગરજનોમાં ધાર્મિક વાતાવરણ ઉભું કરવા તેમજ નગરમાં સુંદરકાંડ સ્પર્ધા પછી પણ સતત રામમંદિરના આયોજને સફળ બનાવવા લોકોને જાગૃતિ કરવાનું છે. તારીખ 24-12-2023 રવિવારના રોજ સુંદરકાંડ સ્પર્ધાના આયોજને સફળ બનાવવા સનાતન હિન્દુ સંગઠનો દ્વારા સવારે અગ્યાર વાગ્યે હિન્દુ ધર્મ પતાકા સાથે બાઇક રેલી, સાંજે ચાર વાગ્યે વણકતળાઈ હનુમાનજી મંદિરથી જ્યોત રેલી, સાંજે 6 વાગ્યે વિશ્વકમાઁ મંદિરે થી સંત રેલી અને રાત્રીના આઠ વાગ્યે નિશ્ચિત સમયે સુંદરકાંડ સ્પર્ધાની શરૂઆત સંતો દ્વારા મંત્રોચ્ચાર કરી , દિપ પ્રજ્વલિત કરી કરવામાં આવનાર છે.

આ સુંદરકાંડ સ્પર્ધામાં વિશેષ આકર્ષણ માટે આગ્નાની પ્રખ્યાત પપ્પન એન્ડ પાર્ટી દ્વારા ઝાંખી પ્રસ્તુતિ કરવામાં આવનાર છે. આ ઝાંખીમાં બાહુબલી હનુમાન, રામ દરબાર, શિવ તાંડવ, રાધે કૃષ્ણ, ખાટું શ્યામજી, કાલકા માતાની પ્રસ્તુતિ ભજન સાથે કરવામાં આવનાર છે, તેમજ એક વાનર સેના સતત પ્રાંગણમાં ફરી સહુનું હનુમાન ભક્તિ માં તરબોળ કરનાર છે. આ સમગ્ર અને વિશેષ આયોજનનું લાઇવ પ્રસારણ પણ યૂટ્યૂબના લિંક માધ્યમ થી કરવામાં આવનાર છે. જેથી તેનો લાભ નગરની બહાર રહેતા લોકો પણ નગરના સુંદર આયોજનનો લાભ લઈ શકે. આ આયોજનને સફળ બનાવવા તેમજ આ સુંદર આયોજનને જોવા નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહેલ છે. સમગ્ર નગર ધાર્મિક હિંડોળે ઝૂલતું નજર આવી રહ્યું છે તથા અનેક સુંદરકાંડ મંડળ રાજસ્થાન તથા ગુજરાતના મંડળો પણ આ સુંદર સરજ મઝાના સુંદર કાંડ પ્રતિયોગિતાનો આનંદ લેવા આવવાના છે.