સંતરામપુર, ધી સંત તાલુકા ટીચર્સ કો.ઓ.સોસાયટી લિ.સંતરામપુરના ચેરમેન શાંતિલાલ સહાની, સેક્રેટરી જયંતિભાઈ પ્રજાપતિ તથા તેમના અન્ય વહીવટ કર્તાઓ દ્વારા પોતાની સત્તાનો દુરૂપયોગ કરી મનસ્વી રીતે ખોટા ઠરાવો કરી મંડળીના આઠ સભાસદોને ખોટી રીતે સસ્પેન્ડ કરેલ હતા અને છેલ્લા છ વર્ષથી તેમના સભાસદો તરીકેના તમામ હકકો છીનવી લીધા હતા. સસ્પેન્ડ કરેલ આઠ સભાસદોની ભુલ માત્ર એ હતી કે, મંડળીના આપ ખુદશાહી વહીવટકર્તાઓ દ્વારા ચલાવાતા ગેર વહીવટને બહાર લાવી ઉપલી કક્ષાએ રજુઆત કરી હતી. સોસાયટીમાં ખોટી રીતે કરેલા ઠરાવો જિલ્લા રજીસ્ટાર મહિસાગર એ નામંજુર કરવા છતાં પોતાની પોલ બહાર ન પડે તે માટે સોસાયટીના આપ ખુદશાહી વહીવટ કર્તાઓએ સત્તાનો દુરૂપયોગ કરી આઠ સભાસદોને મંડળીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ આ જાગ્રત સભાસદોની સાચી રજુઆત સાંભળીને ઉપલી કચેરીઓ દ્વારા પણ સભાસદોના પક્ષમાં હુકમો કરેલ અને મંડળીના ચેરમેન, સેક્રેટરી, તથા કારોબારી સભ્યોને જણાવેલ કે, આઠ સભાસદોને સસ્પેન્ડ કરવા માટે આપની પાસે કોઈ કારણ નથી. છ વર્ષથી પોતાના હકકો માટે લડતા સભાસદોએ રજીસ્ટારને પણ તેમને કરેલા હુકમોનુ પાલન કરાવવા વારંવાર વિનંતી પત્રો લખેલા અને મોૈખિક રજુઆતો પણ કરેલી છતાં અમલ નહિ થતાં સભાસદોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટ દ્વારા જિલ્લા રજીસ્ટાર મહિસાગરને સભાસદોને તાત્કાલિક પુન: સ્થાપિત કરવા આદેશ કરતા રજીસ્ટારે મંડળીના ચેરમેન શાંતિલાલ સહાની, સેક્રેટરી તથા તમામ કમિટી સભ્યોને તા.21ના રોજ તમામ રેકર્ડ સાથે લુણાવાડા ખાતે હાજર રહેવા બીજી નોટિસ પાઠવી હોવાનુ જાણવા મળેલ છે.