ઈઝરાયલી સેનાની ભૂલ નેતન્યાહૂને ભારે પડી, તેલ અવીવમાં હજારો લોકો દેખાવો કરવા રસ્તા પર ઉતર્યા

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ દળોએ (IDF) મોટી ભૂલ કરી છે. એક ઈઝરાયલી મીડિયાએ IDFના પ્રવક્તા ડેનિયલ હગારીના હવાલાથી જણાવ્યું હતું કે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા પોતાના જ ત્રણ નાગરિકોને ખતરો માનીને તેમના પર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણેય નાગરિકોના મોત થયા હતા.  આ હુમલા દરમ્યાન કિબુત્ઝ કફર અજા પકડાઈ ગયો હતો. જ્યારે સમેર અલ -તલાલ્કાને નિર અમ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. 

ઈઝરાયેલી સૈનિકો દ્વારા બંધકોની હત્યા બાદ ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ સવાલોના ઘેરામા ફસાઈ ગયા હતા. તેલ અવીવમાં નેતન્યાહુ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. ઘટનાની જાણકારી મળતાની સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને શહેરમાં હાજર સૈનિકોના મથક પર માર્ચ કરી દેખાવો કર્યો હતો. 

પ્રદર્શનકારીઓએ બંધકોને છોડાવવા માટે સરકાર સાથે સમાધાન કરવાની માંગણી કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં હમાસે 12 થી વધુ બંધકોને મુક્ત કર્યા છે, પરંતુ હજુ પણ 100 થી વધારે બંધકો તેમની પાસે છે. 

બેન્જામિન નેતન્યાહુએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કરતા એક નિવેદનમાં કહ્યું, “આ એક અસહનીય દુર્ઘટના છે. આખું ઈઝરાયેલ શોકમાં ડુબેલુ છે. આવી કપરા સમયમાં મારું હૃદય શોકગ્રસ્ત પરિવારો સાથે છે.” તો આ બાજુ ઇઝરાયલની સેનાના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું, ” સેના દ્વારા જે પણ કાઈ થયું તેના માટે જવાબદાર છે. અમારુ માનવુ છે કે, ત્રણ ઇઝરાયેલી બંધકો કાં તો હમાસના કબજામાંથી ભાગી ગયા હતા અથવા તો આતંકવાદીઓએ તેમને છોડી દીધા હતા, જેમણે તેઓને બંધક બનાવ્યા હતા.”