શિયાળાની ઠંડીમાં ઉત્તર ગુજરાતમાં ચોરીઓનું પ્રમાણ વધતા જ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ચૂક્યુ છે. બોર્ડર જિલ્લાઓમાં તસ્કરોએ પાડોશી રાજ્યમાંથી રાત્રી દરમિયાન ચોરી આચરતા હોવાને લઈ સતત પડકાર બની રહ્યા છે. આ દરમિયાન 22 જેટલી ચોરીના ફરાર આરોપીને સાબરકાંઠા એલસીબીએ રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે.
ચોરની શિયાળાની ઠંડીમાં વધતી ઘટનાઓ વચ્ચે સાબરકાંઠા એલસીબીની ટીમે ચોરીની ગેંગના મહત્વના શખ્શને ઝડપી લેવામાં સફળતા મેળવી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોરીના આરોપીઓ જે ફરાર હોય તેમની ઉપર વોચ રાખવાની શરુ કરીને તેમને શોધી નિકાળવા માટે પ્રયાસ શરુ કર્યો છે. ચોરીને નિયંત્રણમાં રાખવા માટે તસ્કરોને ઝડપવા પ્રયાસો તેજ કર્યા છે.
આ દરમિયાન જ સાબરકાંઠા એલસીબીની ટીમે છ વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો છે, જેના માથા પર બે ડઝન જેટલી ચોરીઓનો આરોપ લાગેલો છે. તેણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સંખ્યા બંધ ચોરીઓ આચરી હતી. LCB PI એજી રાઠોડ અને PSI એલપી રાણા અને તેમની ટીમે સતત વોચ રાખીને 6 વર્ષથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં વધતી ચોરીઓમાં મોટાભાગના આરોપીઓ રાજસ્થાનના હોવાને લઈ પોલીસને કડીઓ શોધીને તેના સુધી પહોંચવું એ પડકારરુપ હોય છે. તો વળી બોર્ડરનો જિલ્લો હોવાને લઈ પાડોશી રાજ્યની તસ્કર ગેંગ ચોરીની ઘટનાને અંજામ આપીને રાત્રીના અંધકારમાં જ આવીને પલાયન થઈ જતી હોય છે.
આવી જ રીતે આરોપી સુલતાનનાખ જોગી છેલ્લા છ વર્ષથી ફરાર હતો. આરોપી યુવક કિશોર વયથી જ ચોરી આચરવાના ગુનામાં માહિર હતો. જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અનેક સ્થળોની ચોરીમાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. જેને ઝડપી લેવો પોલીસ માટે જરુરી હતો. આ માટે બંને જિલ્લાની પોલીસ આરોપી સુલતાન જોગીને શોધવા માટે પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન સાબરકાંઠા એલસીબીની ટીમે તેને ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
22 જેટલી ચોરીઓ સુલતાન જોગી આચરી ચૂક્યો છે. રાજસ્થાનના ખેરવાડા જિલ્લો ઉદયપુરનો રહેવાસી છે. પરંતુ તે સલુમ્બર જિલ્લાના વાળીઘાંટી પ્રસાદ ગામે સરાડા તાલુકામાં સંતાઈને રહેવા લાગ્યો હતો. એલસીબીની ટીમે તેને શોધી નીકાળીને વાળીઘાંટી પ્રસાદ ગામેથી ઝડપી લીધો છે. તેની ગેંગના અન્ય આરોપી અગાઉ ઝડપાઈ ચુક્યા છે. પરંતુ તે છેલ્લા 6 વર્ષથી હાથ લાગી રહ્યો નહોતો.
આરોપી સુલતાને સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં 5, હિંમતનગર શહેરમાં 10 લાખ રુપિયાની મત્તાની ઘરફોડ ચોરીમાં તે સામેલ હતો. હિંમતનગર ગ્રામ્ય વિસ્તારમાં 1, ગાંભોઈ પોલીસ મથક વિસ્તારમાં 2 ચોરી આચરી છે. આમ સાબરકાંઠા જિલ્લામાં 7 ચોરીના ગુનાઓ આચર્યા છે. જ્યારે અરવલ્લી જિલ્લામાં 14 ચોરીના ગુનામાં સામેલ રહ્યો હતો. જેમાં સૌથી વધારે ભિલોડા વિસ્તારમાં ચોરીઓ આચરી છે. જ્યાં 7 ચોરી, મોડાસા રુરલમાં 5, શામળાજી વિસ્તારમાં 3 ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો.