ઓસ્ટ્રેલિયાની સરકારે પોતાના ઈમિગ્રેશન સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે જેની અસર ભારતીય વિદ્યાર્થીઓને થશે. ઓસ્ટ્રેલિયા આગામી બે વર્ષમાં પોતાના ત્યાં આવનારા પ્રવાસીઓની સંખ્યા અડધી કરવાની તૈયારીમાં છે. આ ઉપરાંત નવી ઈમિગ્રેશન પોલીસીની જાહેરાતમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે International English Language Testing System (IELTS) માં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલ માટે 6 બેન્ડ ફરજિયાત કર્યા છે. અત્રે જણાવવાનું કે ઓસ્ટ્રેલિયાની સરકાર ઘણા સમયથી ભારતીય વિદ્યાર્થીઓ માટે માઈગ્રેશન પોલીસીમાં કેટલાક ફેરફાર કરવાનું વિચારી રહી હતી.
IELTS ટેસ્ટ હવે વધુ અઘરી બને તેવા એંધાણ છે. ભારત-ઓસ્ટ્રેલિયા ઈકોનોમિક કોર્પોરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ મુજબ હવે અંગ્રેજી માટેની ટેસ્ટને વધુ ટફ કે કડક કરવામાં આવશે. પરીક્ષામાં સ્ટુડન્ટ વિઝા માટે આવનારા વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં પોસ્ટ સ્ટડી માટે ઓછામાં ઓછા 6.5 બેન્ડ લાવવા જરૂરી બની જશે. ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ જરૂરી થશે. પરીક્ષામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 5.5 બેન્ડની જરૂર પડતી હતી. કોવિડ પછીના વધારાના બે વર્ષનો સ્કીલ લિસ્ટનો ફાયદો પણ હવે મળી શકશે નહીં. જો ગ્રાન્ડ ફાધર્સ સ્કીમ લાગૂ પડે તો જુલાઈ ઈન્ટેકવાળા વિદ્યાર્થીઓને જૂના નિયમો લાગૂ પડશે.
વધુમાં એ પણ છે કે જે માઈગ્રેન્ટનો પગાર 1 લાખ 35 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર કે તેનાથી વધુ હશે તેમની વિઝા એપ્લિકેશનને ફાસ્ટ ટ્રેકમાં લઈ જવાશે. ઓસ્ટ્રેલિયાની સરકારે સ્ટડી વિઝા માટે વધારાની તપાસ પણ ઉમેરી છે. દાખલા તરીકે જો કોઈએ અન્ય કોઈ કોર્સ કરવો હો તો તે માટે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે અને આ ઉપરાંત આ કોર્સ તેમને આગળ જતા કઈ રીતે ઉપયોગી થશે તે પણ સાબિત કરવાનુ રહેશે.
જો 2022-23ના ડેટા જોઈએ તો હાલમાં ઓસ્ટ્રેલિયામાં 30 ટકા વધુ વિદ્યાર્થીઓનો ધસારો જોવા મળ્યો છે. જે આશરે દોઢ લાખ જેવા થાય. સૌથ વધુ વોકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનિંગ સેક્ટરમાં જોવા મળ્યા છે. પોસ્ટગ્રેજ્યુએશન લેવલ પર ઓસ્ટ્રેલિયન સરકારે હાલમાં કોઈ ફેરફાર ન કરતા આ વિદ્યાર્થીઓને હાલ પૂરતી તો રાહત છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રેને જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (AI-ECTA) હેઠળ કરાર થયા છે જે મુજબ માઈગ્રેશન પોલીસીમાં ફેરફાર કરાયા છે. જે મુજબ ભારતીય ગ્રેજ્યુએટો કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝા લઈને બે વર્ષ બેચલર ડિગ્રી કરી માસ્ટર્સ અને ચાર વર્ષ પીએચડીનો અભ્યાસ કરી શકે છે.
નવા નિયમો મુજબ ડિપ્લોમા કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ 18 મહિના ઓસ્ટ્રેલિયામાં રોકાઈ શકે છે અને જે વિદ્યાર્થીઓએ બેચલર ડિગ્રી પૂરી કરી છે તે માસ્ટર્સમાં એડમિશન લઈને ત્રણ વર્ષ અભ્યાસ કરી શકે તથા પીએચડીમાં અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓ ચાર વર્ષ અભ્યાસ કરી શકે છે.