૬૦ વર્ષની પ્રેમિકાની હત્યા કરી બોક્સમાં ભરી… ૩૧ વર્ષના પ્રેમીની ધરપકડ

નવીદિલ્હી,રાજધાની દિલ્હીમાં વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે જ્યાં એક ૬૦ વર્ષની મહિલાની હત્યા કરવામાં આવી છે. આ હત્યાની ઘટનામાં પોલીસે ૩૧ વર્ષીય યુવકની ધરપકડ કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૧૦ ડિસેમ્બરે મૃતક મહિલા આશા દેવી દિલશાદ ગાર્ડનમાંથી ગુમ થઈ ગઈ હતી. તેના ગુમ થયા બાદ આશા દેવીના પુત્રએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પુત્રએ જણાવ્યું કે તેની માતા ભાડુઆતો પાસેથી ભાડુ લેવા નંદ નગરી ગઈ હતી, ત્યારબાદ તે ગુમ થઈ ગઈ.

આશા દેવીના પરિવારજનોએ જણાવ્યું કે ઘરના ફ્લોરમાંથી દુર્ગંધ આવી રહી હતી. મામલાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમમાં બેડ બોક્સ ખોલ્યું તો તેની અંદર પ્લાસ્ટિકમાં લપેટી આશા દેવીનો મૃતદેહ મળ્યો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસે આ મામલે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

કેસની તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે ભાડૂતોમાંથી એક દેવેન્દ્ર નામનો વ્યક્તિ છે જે ભાડે રહેતો હતો. આશા દેવી ગુમ થયા બાદથી તે ગુમ છે. પોલીસ ટીમે યુપીના અલીગઢમાં દેવેન્દ્રને ટ્રેક કર્યો અને પછી તેને પકડી લીધો. જે બાદ જ્યારે આરોપીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ જણાવ્યું કે ૧૦મીએ આશાની હત્યા કર્યા બાદ તેણે તેની લાશને બેડ બોક્સની અંદર છુપાવી દીધી હતી.

દેવેન્દ્રએ પોલીસને જણાવ્યું કે લગભગ ૪ વર્ષ પહેલા તે નંદ નગરીમાં આશાના ઘરમાં ભાડૂત તરીકે શિફ્ટ થયો હતો. તે અને આશા ગાઢ મિત્રો બની ગયા અને ત્યારબાદ બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. આશરે ૨ વર્ષ પહેલા તે આ જ મકાનના પહેલા માળે રહેતી એક યુવતીની નજીક આવ્યો હતો. તેણે યુવતીને કહ્યું કે તે સીબીઆઈમાં કામ કરે છે અને તેના ભાઈને નોકરી અપાવી શકે છે. તેણે છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને ૪ ડિસેમ્બરે અલીગઢમાં તેમનો રોકા સમારોહ યોજાયો. લગ્નનું આયોજન ફેબ્રુઆરી ૨૦૨૪માં કરવામાં આવ્યું હતું.

આશા આ લગ્નથી નાખુશ હતી. તેણે દેવેન્દ્રને ફોન પર બોલાવ્યો અને તેને હર્ષ વિહારના ખાલી પડેલા ઘરમાં મળવા કહ્યું. ૧૦ ડિસેમ્બરે બપોરે ૧ વાગે દેવેન્દ્ર અને આશા હર્ષ વિહાર સ્થિત તેમના ઘરે પહોંચ્યા. આશાએ દેવેન્દ્રને ધમકી આપી હતી કે જ્યાં સુધી તે જીવતી છે ત્યાં સુધી તે તેને તે છોકરી સાથે લગ્ન કરવા નહીં દે.

દેવેન્દ્રના કહેવા પ્રમાણે, આશાએ તેને થપ્પડ મારી હતી અને તેણે જવાબમાં નજીકમાં પડેલી ઈંટ વડે તેના માથા પર માર્યો હતો. જ્યારે તે બેભાન થઈ ગઈ ત્યારે દેવેન્દ્રએ તેને ઘણી વાર માર્યો અને તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ તેણે નજીકની દુકાનમાંથી ૨૦ મીટર પ્લાસ્ટિકની શીટ ખરીદી, તેના શરીરને તેમાં લપેટી અને તેને ગ્રાઉન્ડ ફ્લોર પર બેડ બોક્સની અંદર ભરી દીધી.