તાજમહેલના દરવાજા ખોલાવવા માગતા લોકોને મોટો ઝટકો, અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી અરજી

  • તાજમહેલના 22 દરવાજા ખોલાવવા માગતા લોકોને ઝટકો
  • અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી
  • અરજદારોને ઠપકો આપીને કહ્યું પહેલા રિસર્ચ કરો પછી કોર્ટ આવો
  • જસ્ટિસ બોલ્યા- કાલે તમે કહેશો અમને જજોની ચેમ્બરમાં જવાની છૂટ મળવી જોઈએ 
  • હવે સુપ્રીમ કોર્ટ જશે અરજદારો

તાજમહેલના 22 દરવાજા ખોલાવવાની માગણીએ અરજી કરનાર લોકોને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી મોટી ઝટકો લાગ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેન્ચે બંધ દરવાજા ખોલાવવાની અરજદારોની માગ ઠુકરાવીને દઈને તેમને આકરો ઠપકો આપીને કહ્યું કે જનહિતની અરજીનો આવી રીતે દુરપયોગ ન કરો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને સુભાષ વિદ્યાર્થીની બેન્ચમાં સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, જાહેર હિતની અરજીની પદ્ધતિનો દુરુપયોગ ન થવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું હતું કે આવતીકાલે તમે આવીને કહેશો કે અમને માનનીય ન્યાયાધીશની ચેમ્બરમાં જવાની છૂટ મળવી જોઈએ.

હાઈકોર્ટે અરજીકર્તાને કહ્યું કે તમે માનો છો કે તાજમહેલ શાહજહાંએ નથી બનાવ્યો? શું અમે અહીં એવો ચુકાદો આપવા આવ્યાં છીએ કે તાજમહેલ કોણે બનાવ્યો છે ? અથવા તાજમહેલની ઉંમર કેટલી છે? તમે શેના વિશે નથી જાણતા તેનું સંશોધન કરો. જાઓ એમએ કરો, પીએચડી કરો, જો કોઈ સંસ્થા તમને સંશોધન કરતા અટકાવે છે, તો અમારી પાસે આવો. હાઈકોર્ટે કહ્યું કે તાજમહેલના 22 રૂમ વિશે તમે કોની પાસેથી માહિતી માંગી હતી? આ અંગે અરજદારના વકીલે જણાવ્યું હતું કે અમે ઓથોરિટી પાસે માહિતી માગી હતી. ત્યારે હાઇકોર્ટે કહ્યું કે, જો તેમણે કહ્યું હોય કે, સુરક્ષાના કારણોસર રૂમ બંધ છે તો આ માહિતી છે. જો તમે તેનાથી સંતુષ્ટ ન હો, તો તેને પડકારો.

કાલે તમે આવીને કહેશો કે અમારે જજોની ચેમ્બરમાં જવાનું છે તો શું-હાઈકોર્ટે અરજદારોને કહ્યું 

કોર્ટમાં અરજદારે તે રૂમમાં દાખલ થવાની પરવાનગી માગી હતી. આ અંગે હાઇકોર્ટે કડક ટકોર કરી હતી અને કહ્યું હતું કે આવતીકાલે તમે આવીને કહેશો કે અમારે માનનીય જજોની ચેમ્બરમાં જવાનું છે. કોર્ટે કહ્યું કે પીઆઈએલની મજાક ન ઉડાવો. આ પછી, હાઈકોર્ટે સુનાવણી માટે બપોરે 2 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો.