
ગોધરા, પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ 2015થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
આવો, અમારે આંગણે ભૂતકાળની ભવ્યતાને ફરીથી ઉજવવાનો ઉત્સવ પંચમહોત્સવ ચાલુ વર્ષ 2023 દરમિયાન આગામી તા.25 ડિસેમ્બરથી 29 ડિસેમ્બર સુધી યોજાશે. પંચમહોત્સવનું આયોજન વડા તળાવ, તા.હાલોલ ખાતે કરાશે. સદર મહોત્સવના સુચારૂ આયોજન અને અમલીકરણને લઇને પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, ગોધરા ખાતે બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે સુચારૂ સલાહ સૂચનો કર્યા હતા. જેમાં પાણી, બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, બાઈક રેલી, પ્રચાર પ્રસાર સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. આ દિવસો દરમિયાન કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. આ સાથે તમામ આયોજનને લઈને પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતુ. પંચમહોત્સવસાઈટ ખાતે ક્રાફ્ટ બજાર, સ્ટોલ, હેરિટેજ વોક, ટેન્ટ સિટી, ટ્રાઈબલ ફુડ, પેઈન્ટીંગ પ્રદર્શન, સાઇકલ યાત્રા, ફોટોગ્રાફી સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાશે.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી, જિલ્લા વન સંરક્ષક અધિકારી મીના, પ્રાંત અધિકારીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.