
સુરત, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં એરપોર્ટના નવા ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યું છે. તેઓએ ઉદઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, પહેલા હું અહીં એરપોર્ટ પર આવતો ત્યારે લાગતું કે, એરપોર્ટ છે કે બસપોર્ટ, પણ આજે સુરત મિનિ ભારત બની ગયું છે. આજે 125 દેશના ધ્વજ સુરતમાં ફરકી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, નમસ્કાર… હૂરત એટલે હૂરત, સુરત પાસે ઇતિહાસનો અનુભવ, વર્તમાનમાં રહેતા, ભવિષ્યની દુરંદેશી એનું નામ સુરત. સુરત કામમાં લોચો મારે નહીં અને ખાવામાં લોચો છોડે નહી. આમ બધી વાતે સુરતીઓને ગમે તેટલી ઉતાવળ હોય પણ ખાણીપીણીની દુકાને અડધી કલાક રોકાય જ. ગમે તેટલો વરસાદ પડે પણ ભજીયા ખાવા એટલે ખાવા જ. ફૂટપાથ પર ઘારી ખાતો હોય. નાકા પરના સર્કલે આંટો મારવા ન જાય પણ વિશ્ર્વ આખું ફરે. સૌરાષ્ટ્રના ભાઈઓ સુરત વળ્યા. આ લોકોને પૂછ્યું કે તમને સુરત કેવું લાગ્યું તો કહ્યું કે, કાઠિયાવાડમાં સામસામે મોટરસાયકલ અથડાય તો તલવારો ખેંચાય જાય પણ સુરતમાં તો કહે તારી પણ ભૂલ છે અને મારી પણ.

વધુમાં જણાવ્યું હતું કે, ડાયમંડ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે. દુનિયામાં ડાયમંડની સાથે સુરતનું નામ આવશે પણ ભારતનું પણ નામ સાથે આવશે. ડાયમંડ બુર્સ નવા ભારતની નવા સામર્થ્ય અને નવા ભારતના સંકલ્પનું પ્રતિક છે. મને કેટલોક ભાગ જોવા મળ્યો. પરંતુ મેં એ લોકોને કહ્યું કે, તમે એન્વાર્યમેન્ટના વકીલ છો તો ગ્રીન બિલ્ડિંગ શું હોય એ બતાવો. વિદ્યાર્થીઓને બોલાવી બતાવો કે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દુનિયા શું છે. સુરતના વેપારીઓને એકસાથે બે ભેટ મળી છે. સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગઈ છે. સુરતીઓની વર્ષો જૂની માગ આજે પૂરી થઈ છે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પહેલા અહીં આવતો ત્યારે લાગતું કે એરપોર્ટ છે કે એરપોર્ટ. સુરતથી દુબઈની ફ્લાઈટ આજે શરૂ થશે, જલ્દી હોંગકોંગની ફ્લાઈટ શરૂ થશે. સુરતનું એરપોર્ટ સાથે આજે ગુજરાતમાં ત્રણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બની ગયા છે. સુરતીઓના સામર્થ્યનો મુકાબલો કરવો મુશ્કેલ છે. અંગ્રેજ વૈભવ જોઈને પહેલા સુરત આવ્યા હતા. સમુદ્રી જહાજ સુરતમાં જ બનતા હતા. ઇતિહાસમાં સુરત પર મોટા મોટા સંકટ આવ્યા પણ બધાએ સાથે મળીને સામનો કર્યો. 84 દેશના શીપના ઝંડા અહીં ફરકતા હતા અને આજે 184 દેશના ઝંડા અહીં ફરકવાના છે. ગંભીર બિમારી, તાપીમાં પૂર આવ્યું પણ મને પૂરો ભરોસો હતો કે, સુરત સંકટમાંથી બહાર આવશે. આજ જુઓ આ શહેર દુનિયાના સૌથી ઝડપથી આગળ વધતુ ટોપ 10 શહેરમાનું એક છે. સુરતમાં દરેક ક્ષેત્રે કામ શાનદાર થતું રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતુું કે, લોખા યુવાનો માટે સુરત ડ્રીમ સિટી છે. આઇટીના ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે. ડાયમંડ બુર્સના ભાગરૂપે આવડી મોટી બિલ્ડિંગ મળવી એ આપનું સામર્થ્ય છે. સુરતના લોકો મોદીની ગેરંટીને બહુ સમયથી જાણે છે. આ ગેરંટીનું ઉદાહરણ આ સુરત ડાયમંડ બુર્સ છે. 2014માં દિલ્હીમાં વર્લ્ડ ડાયમંડ કોન્ફરન્સ થઈ હતી. ત્યારે જ મેં ડાયમંડ બુર્સ બનાવવાની જાહેરાત કરી હતી. આજે દરેક પ્રકારનો વેપાર એક જ છત નીચે શરૂ થઈ ગયો છે. ડાયમંડ બુર્સ વન સ્ટોપ સેન્ટર છે. અહીં જ્વેલેરી મોલ છે, 8 લાખથી વધુ લોકોને રોજગારી મળી રહી છે અને વધુ દોઢ લાખ લોકોને રોજગારી આપશે.
વધુમાં જણાવ્યું હતું કે, સુરતે ગુજરાત, દેશને ઘણું બધુ આપ્યું છે. મારા હિસાબે આ શરૂઆત છે, હજુ આપણે આગળ વધવાનું છે. હવે દુનિયાના દેશોની ઇકોનોમીમાં ભારતનો ટોપ 3માં સમાવેશ થશે. સરકારે આગામી 25 વર્ષનો ટાર્ગેટ પણ નક્કી કર્યો છે. જેના પર અમે કામ કરી રહ્યા છીએ. સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની જવાબદારી વધી ગઈ છે. આ ઇન્ડસ્ટ્રીઝે પણ ટાર્ગેટ નક્કી કરવો જોઈએ કે, આપણે દેશની પ્રગતિમાં કેટલો હિસ્સો રાખવો. સિલ્વર કટ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડમાં આપણે અગ્રેસર છીએ. સુરત નક્કી કરી લે તો જેમ્સ ડાયમંડ જ્વેલરીમાં ડબલ ડિઝીટમાં આવી શકે છે. સરકાર તમારી સાથે છે.
વધુમાં જણાવ્યું હતું કે, અમે પહેલેથી જ આ સેક્ટરને ફોકસ એરિયા તરીકે પસંદ કર્યું છે. આજ ઇન્ટરનેશનલ લેવલે જે માહોલ છે તે ભારતના પક્ષમાં છે. આજ પૂરી દુનિયામાં ભારતની શાખ ટોચ પર છે. મેડ ઇન ઇન્ડિયા એક સશક્ત બ્રાન્ડ બની ગયું છે. આધુનિક કનેક્ટિવ મળવાપાત્ર સુરત દેશનું પહેલું શહેર છે. સુરત આગળ વધશે તો ગુજરાત અને ગુજરાત આગળ વધશે તો મારો દેશ આગળ વધશે. લઘુ ભારત તો સુરત બની ગયું છે. ડાયમંડ બુર્સમાં દુનિયાભરના લોકો આવશે. ત્યારે ભાષાની સમજણ માટે ભારત સરકાર અવશ્ય મદદ કરશે. મુખ્યમંત્રીને સલાહ આપીશ કે, નર્મદ યુનવર્સિટીમાં દેશની અલગ અલગ ભાષાનો કોર્ષ શરૂ કરે. હું વિશ્ર્વાસ રાખું છું કે, આ કોર્ષ શરૂ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્ર્વના સૌથી મોટા હીરાના ટ્રેડિંગ હબ એવા ડાયમંડ બુર્સ અને સુરત એરપોર્ટના નવા ટર્મિનલના લોકાર્પણ માટે સુરત આવ્યા હતા. એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદઘાટન કરી મોદીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં અધિકારીઓએ સુવિધાઓથી મોદીને અવગત કરાવ્યા હતા. બાદમાં 8 કિમીનો રોડ-શો યોજાયો હતો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મોદીનો કોન-વે ડાયમંડ બુર્સ પહોંચ્યો હતો અને અહીં મોદીએ ડાયમંડ બુર્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ ડાયમંડ બુર્સને નિહાળ્યું હતું. બાદમાં મોદી સભસ્થળે પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ત્રણ રાજ્યમાં ભવ્ય વિજયના શિલ્પકાર નરેન્દ્ર મોદી આ જીત બાદ પહેલીવાર ગુજરાત આવ્યા છે. અત્યારસુધી મોદી હૈ તો મુમકિન હૈ કહેવાતું પણ હવે મોદી ગેરંટી કહેવાય છે. ગુજરાત વિકાસનું રોલ મોડલ બન્યું છે. સુરત દેશભરના લોકોને રોજગારી આપતું સિટી બન્યું છે. સુરત મિની ઇન્ડિયા બની ગયું છે. ડાયમંડ બુર્સ આધુનિક ભારતના નિર્માણની મોદી સાહેબની પહેલ છે. નરેન્દ્ર મોદી ત્રીજીવાર વડાપ્રધાન બનશે એ વાત નિશ્ચિત છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સતત અવિરત વિકાસ થતો રહ્યો છે. 2014માં 74 એરપોર્ટ હતા જે આજે 149 થયા છે. સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટની ભેટ આપી છે. આથી ડાયમંડ કેપિટલ વિશ્ર્વ સાથે સીધુ કનેક્ટેડ થશે.
નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધી પ્રધાનમંત્રીનો મિની રોડ-શો યોજાયો હતો. રોડ-શોમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે સવારથી જ લોકોની ભીડ જામી હતી. રોડ-શોના રૂટ પર મહિલાઓનો એક અનોખો સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યો હતો. જેમાં મહિલાઓ ઢોલ અને કરતાલ સાથે મોદીના ભજનની રમઝટ બોલાવી હતી. તેમજ શંખનાદ કર્યો હતો. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ અને હર્ષ સંઘવીએ સુરત એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું.