ખાનપુરના બાકોર બસ સ્ટેન્ડમાં જાહેર શોૈચાલયના અભાવે મુસાફરોને હાલાકી

બાકોર, ખાનપુર તાલુકાના બાકોર ખાતેના એસ.ટી.બસ સ્ટેશનમાં શોૈચાલયની સુવિધાના અભાવે મુસાફરો અને કર્મચારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ખાનપુર તાલુકાના મુખ્ય મથક બાકોર ખાતે વિવિધ સરકારી ઓફિસો આવેલી છે. જયાં કામકાજ માટે રોજના લાખો લોકોની અને કર્મચારીઓની અવર જવર રહેતી હોય છે. છતાં બાકોર બસ સ્ટેશન પર શોૈચાલયની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખાસ કરીને મહિલાઓને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. એસ.ટી.નિગમ દ્વારા હાલમાં સ્વચ્છતાં અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. ત્યારે તાલુકાના મુખ્ય મથકના બસ સ્ટેન્ડ પર જ આ પ્રકારની પ્રાથમિક સુવિધાઓન અભાવ ઉડીને આંખે વળગે તેવો છે. ખાનપુર તાલુકાના અસ્તિત્વના દોઢ દાયકા પછી પણ વિકાસ અને પ્રગતિ શુન્ય જોવા મળે છે. જેથી બસ સ્ટેશન પર વહેલીતકે શોૈચાલયની સુવિધા ઉભી કરવા માંગ કરવામાં આવી રહી છે.