કાલોલના અડાદરા ગામે રેતી ખનન કરતા ચાર ટ્રેકટરો ખનીજ વિભાગે ઝડપ્યા

કાલોલ,કાલોલ તાલુકા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગની બેફામપણે ચાલી રહેલી ખનીજ ચોરીને રોકવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરાતા અડાદરા પંથકમાં રેતી ખનન કરીને વહન કરી જતાં ચાર ટ્રેકટરોને ઝડપી લેવાયા હતા.

ગોમા અને કરાડ નદીમાં બેફામપણે રેતી ખનન કરતા રેતી ચોરોને ડામવા માટે ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા અવાર નવાર પેટ્રોલિંગ હાથ ધરાય છે. પરંતુ જાસુસી કાંડ જેવા કારસ્તાનને કારણે જે વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા છાપો મારવામાં આવે તે પહેલા રેતી ચોરો પલાયન થઈ જતા હોય છે. દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે અડાદરા સ્થિત ગોમા નદીના પંથકમાં છાપો મારતા ગોમા નદીમાંથી પાસ પરમીટ વિના ગેરકાયદે રીતે ખનન કરીને લઈ જતા ચાર ટ્રેકટરોને ઝડપી પાડીને ચારેય ટ્રેકટરો સહિત 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ટ્રેકટર માલિકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.