હિમંતનગર, ગુજરાત કૌભાંડનું હબ બની રહ્યું છે. રાજ્યમાં એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે. આર્યુવેદીક સીરપ કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક ઉર્જા કૌભાંડમાં મોડે-મોડે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉર્જા કૌભાંડ સામે આવતા ત્રણ મહિના બાદ તપાસનું તરકટ શરૂ થયું છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કૌભાંડને લઈને કાર્યવાહી કરતા શંકાસ્પદ વીજકર્મીઓની તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે ઉર્જા કૌભાંડમાં કથિત રીતે સંડોવાયેલા ૧૦ વીજકર્મીઓને તપાસ માટે હાજર થવા નોટિસ પાઠવી છે.
રાજ્યમાં સમયાંતરે કૌભાંડના કિસ્સા પ્રકાશમાં આવે છે. કૌભાંડનો પર્દાફાશ થતા થોડો સમય તપાસનું તરકટ ચાલે છે. તેમ હિમંતનગરમાં ઉર્જા કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદના ત્રણ મહિના પછી તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસે કડક કાર્યવાહી કરતા હિમંતનગર સર્કલના ૧૦ વીજકર્મીઓને નોટિસ ફટકારતા આગામી ૨૦ ડિસેમ્બર સુધીમાં ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થવા ફરમાન કર્યું. ક્રાઈમ બ્રાન્ચની આકરી કાર્યવાહીને પગલે કૌભાંડ આચરનારા શખ્સમાં ફફડાટ ફેલાયો છે. ઉર્જા કૌભાંડમાં અરવલ્લી જિલ્લાના બાયડ, સાઠંબા અને ધનસુરા વીજ કચેરીના ૩ વીજકર્મીઓને પણ સંડોવણીની આશંકાએ ક્રાઈમ બ્રાન્ચે તેડુ મોકલ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચે ઉર્જા કૌભાંડની તપાસ તેજ કરતા આગામી દિવસોમાં વધુ ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.
રાજ્યમાં થોડા સમય પહેલા સરકારી દવાઓ બારોબાર વેચવાના કૌભાંડ અને આર્યુવેદિક સીરપના નામે નશાકારક દ્રવ્યનું વેચાણ થયાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જેના બાદ રાજ્યભરમાં આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી. અગાઉ પણ સરકારી વિભાગોમાં ભરતી કૌભાંડનો મામલો સામે આવ્યો હતો. ઉપરાંત રાજ્યમાં નકલી પોલીસ અધિકારી અને બોગસ સરકારી કચેરી જેવા કૌભાંડોનો પર્દાફાશ થયા હતા. રાજ્યમાં અવાર-નવાર વિવિધ પ્રકારના કૌભાંડો સામે આવી રહ્યા છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા કૌભાંડને લઈને તપાસ તેજ કરતા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.