મોઈત્રાની સભ્યતા રદ અંગેની અરજી પર ૩ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે સુનાવણી

નવીદિલ્હી, કેશ ફોર ક્વેરી મામલે લોક્સભામાંથી ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની સભ્યતા રદ કરી દેવામાં આવી છે. તેમની અરજી પર સુપ્રીમ કોર્ટ ૩ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે સુનાવણી હાથ ધરશે. હવે જોવું રહ્યું કે તેમને સભ્યતા પાછી મળે છે કે સુપ્રીમ કોર્ટ તરફથી પણ મહુઆ મોઈત્રાને કોઈ રાહત મળતી નથી.

મુખ્ય ન્યાયાધીશ ડીવાઈ ચંદ્રચૂડે બુધવારે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા મહુઆ મોઈત્રાને આશ્ર્વાસન આપ્યું હતું કે તેઓ આ મુદ્દેની અરજીના લિસ્ટિંગ પર નજર રાખશે.

ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના સાંસદ નિશિકાંત દુબેએ આ કેસમાં પક્ષકાર બનાવવાની વિનંતી કરીને કોર્ટનો સંપર્ક કર્યો છે. દુબેની ફરિયાદ બાદ જ મોઇત્રાને લોક્સભામાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. લોક્સભામાં એથિક્સ કમિટીના રિપોર્ટને સ્વીકાર્યા બાદ સોમવારે ટીએમસી નેતાને હાંકી કાઢવામાં આવ્યા હતા. આના વિરોધમાં મોઇત્રાએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ રિપોર્ટમાં મોઇત્રાને ’પૈસા લઈને પ્રશ્ર્નો પૂછવા’ના કેસમાં ’અનૈતિક અને અભદ્ર વર્તન’ માટે જવાબદાર ગણવામાં આવ્યા હતા.