- ભારતીય આદિવાસી પાર્ટી ૧૦૮ વર્ષ જૂની માંગને ફરી ઉઠાવી.
2024ની લોકસભાની ચુંટણી પહેલા ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભીલ પ્રદેશની માંગ તેજ બની છે. તેમજ ભારતીય આદિવાસી પાર્ટી (BAP)એ આ 108 વર્ષ જૂની માંગને નવેસરથી ઉઠાવી છે. વિધાનસભાની ચૂંટણીમાં BAPના દેખાવે પણ આ માંગણીને પ્રબળ બનાવી છે. ભારતીય આદિવાસી પાર્ટીએ રાજસ્થાનમાં 3 અને મધ્યપ્રદેશમાં 1 સીટ જીતી છે. રાજસ્થાન વિધાનસભાની 4 બેઠકો પર BAP બીજા ક્રમે છે.
આદિવાસી દ્વારા ભીલ રાજ્યની માંગ આગામી સમયમાં ભાજપની મુશ્કેલીઓમાં વધારો કરી શકે છે. જેના બે કારણો છે…
1. ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપ સત્તામાં છે. આ ત્રણેય રાજ્યોમાં આદિવાસીઓની સંખ્યા અંદાજીત 4.4 કરોડ છે
2. ત્રણેય રાજ્યોમાં આદિવાસીઓ માટે 13 બેઠકો અનામત છે. 2019માં ભાજપે આ 13 બેઠકો પર એકતરફી જીત મેળવી હતી
ભારતમાં સૌથી જૂની આદિજાતિ, ભીલની વસ્તી 1 કરોડની આસપાસ છે. દ્રવિડિયન શબ્દ વીલ પરથી ભીલ શબ્દ આવ્યો છે, જેનો અર્થ ધનુષ થાય છે. ભીલ જાતિના લોકો લાંબા સમયથી પોતાના માટે અલગ રાજ્યની માંગ કરી રહ્યા છે. 1913માં પ્રથમ વખત માનગઢમાં 1500 સમર્થકો સાથે સામાજિક કાર્યકર અને વિચરતી બંજારા જાતિના ગોવિંદગીરીએ અલગ રાજ્યની માંગણી કરી હતી. જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ તેમની મુક્તિ પછી, ગોવિંદગીરીના નેતૃત્વ હેઠળ, તેમના સમર્થકોએ માનગઢ નજક આંદોલન કર્યું. સ્થાનિક વહીવટીતંત્રે આંદોલનનો અંત લાવવા અંગ્રેજો પાસેથી મદદ માંગી. જેમાં પોલીસ કાર્યવાહીમાં ઘણા ભીલ આદિવાસીઓ માર્યા ગયા.
ઘટના બાદ ગોવિંદગીરી અને પુંજા ધીરજીની ધરપકડ કરીને આંદામાન જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. આઝાદી સમયે પણ ભીલ રાજ્યની માંગ કરવામાં આવી હતી, પરંતુ શરૂઆતમાં આ માંગને બહુ મહત્વ આપવામાં આવ્યું ન હતું. પરંતુ ભીલ રાજ્યની માંગ માટે સમયાંતરે આંદોલન ચાલુ રહે છે.
ભીલ રાજ્યની માંગના છે આ કારણો
1. 2008ના એક સર્વે મુજબ, ભીલ જાતિના 80 ટકા પરિવારો સ્થળાંતરથી પીડાઈ રહ્યા છે. પરિવારના મોટાભાગના સભ્યોને પૈસા કમાવવા માટે બહાર જવું પડે છે.
2. આ ઉપરાંત આદિવાસી નેતાઓની એવી રજૂઆત છે કે તમિલનાડુ તમિલો માટે, મહારાષ્ટ્ર મરાઠાઓ માટે બની શકે છે, તો પછી ભીલો માટે ભીલ પ્રદેશ કેમ ન બની શકે?
3. મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં ભીલોની વસ્તી અન્ય રાજ્યો કરતાં વધુ છે. આવી સ્થિતિમાં તેને નવું રાજ્ય મળવું જોઈએ, જેથી ભીલ આદિવાસીઓને ત્યાંના કુદરતી સંસાધનોનો લાભ મળી શકે.
ભીલ પ્રદેશમાં ઉત્તર પૂર્વ ગુજરાત, દક્ષિણ રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશના ભાગનો સમાવેશ કરવાની માંગ છે. જિલ્લા પ્રમાણે જોઈએ તો લગભગ આખા 20 જિલ્લાઓ અને 19 જિલ્લાનો આંશિક ભાગ સમાવવાની માંગ છે.
ભીલ રાજ્યની રાજસ્થાનના ડુંગરપુર, બાંસવાડા, ઉદયપુર, પ્રતાપગઢ, સિરોહી, રાજસમંદ અને ચિત્તોડગઢ, જાલોર-બારમેર-પાલી વિસ્તારોમાં સમયાંતરે માંગ ઉઠી છે. એ જ રીતે મધ્યપ્રદેશના અલીરાજપુર અને ઝાબુઆ જેવા જિલ્લાઓમાં પણ અલગ રાજ્ય બનાવવાની માંગ છે. માંગ પ્રમાણે જોઈએ તો ભીલો રાજ્યમાં 11 લોકસભા અને 90 વિધાનસભા બેઠકો મેળવી શકે છે. એટલે કે તેનું સ્વરૂપ છત્તીસગઢ જેવું જ છે.
ભારતમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આદિવાસીઓની વસ્તી વધુ છે, પરંતુ આદિવાસીઓ અહીં રાજકીય પ્રતિનિધિત્વમાં પાછળ છે. તેઓ અનામત બેઠકોની બહાર જીતતા નથી. આ સિવાય મોટા પદ પર પણ આદિવાસીઓનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે, તેમજ આ રાજ્યોમાં લાંબા સમયથી કોઈ આદિવાસી નેતાને મુખ્યમંત્રી પદ મળ્યું નથી. ભીલ પ્રદેશની માંગમાં વધારો થવાનું આ પણ એક મુખ્ય કારણ છે.
બંધારણની કલમ-3 મુજબ રાજ્યની રચના કરવાનો અધિકાર કેન્દ્ર પાસે છે. કેન્દ્ર સરકાર સંસદમાં પ્રસ્તાવ લાવીને રાજ્યોની રચના કરી શકે છે. કેન્દ્ર સરકાર સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન કમિશન 1955ની ભલામણોના આધારે રાજ્યોની રચના કરે છે. જે પ્રમાણે ભારતમાં છેલ્લી વખત લદ્દાખનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. તેમજ 2019માં લદ્દાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે ચાર આધાર પર રાજ્યોની રચના કરવામાં આવી છે. જેમા સીમાના આધારે, ભૌગોલિક નિકટતાના આધારે, ભાષાના આધારે અને લોકોની માંગમાં આધારે કરવામાં આવે છે.