દાહોદ,કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની જાણકારી લોકો સુધી પહોંચી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે દેવગઢબારિયા તાલુકાના ગુણા ખાતે પહોંચેલી યાત્રાને મંત્રી બચુભાઈ ખાબડ તેમજ મહાનુભાવો સહિત ગ્રામજનોએ ઉત્સાહભર આવકારી લેવામાં આવી હતી.
આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે સૌને સંબોધતા જણાવ્યું હતું કે, આજે જન જન સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રચાર થાય તે માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર સતત પ્રયત્નશીલ છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ જે સરકારી યોજનાથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોચાડવાનો છે. વિકસિત ભારતના નિર્માણ માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્ર્વાસ, સૌના પ્રયાસ, અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધીએ તેમજ દરેક યોજનાઓનો લોકો લાભ લે તથા લાભ લેવા પાત્ર તમામ લાભર્થીઓને લાભ મળી રહે તે આવશ્યક છે.
દેવગઢબારીયાના ગુણા ગામે મંત્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ, સહાય પ્રમાણપત્ર, કાર્ડ વિતરણ તથા અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામા આવ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવો સહિત ગ્રામજનોએ આગામી વર્ષ 2047 સુધીના વિકસિત ભારતમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવાનું પ્રણ ગ્રહણ કર્યું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓએ મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત તેમના અભિપ્રાયો પણ વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના ભાગરૂપે વિકસિત ભારતનો સંદેશ આપતા વડાપ્રધાનની કાર્યક્રમ સંબંધિત ફિલ્મનું નિદર્શન, યોજનાકિય સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિય, પ્રાંત અધિકારી જ્યોતીબાબેન ગોહિલ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી, મામલતદાર સમીરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સહિત, અગ્રણીઓ, પદાધિકારીઓ, સરપંચ, ફરજ પરના અધિકારી, કર્મચારીઓ, ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.