યુએનની મહાસભામાં મંગળવારે ગાઝામાં યુધ્ધ વિરામની માંગ કરતો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને 153 દેશોએ તેનુ સમર્થન કર્યુ હતુ. જેમાં ભારતનો પણ સમાવેશ થતો હતો.
જોકે આ પ્રસ્તાવ પરની ચર્ચા દરમિયાન ઈઝરાયેલના યુએનના રાજદૂતના આક્રમક તેવર પણ જોવા મળ્યા હતા. ઈઝરાયેલે યુએનના દબાણ સામે ઝૂકવાનો ઈનકાર કરી દીધો હતો અને રાજદૂત ગિલાદ એર્દાને મહાસભામાં કહ્યુ હતુ કે, યુધ્ધ વિરામ ત્યારે જ થશે જ્યારે પેલેસ્ટાઈનમાં હમાસ પોતાના હથિયારો નાંખી દેશે અને જો યુએન ખરેખર યુધ્ધ વિરામ કરાવવા માંગતુ હોય તો તેણે ગાઝામાં હમાસના કાર્યાલય પર ફોન કરવો જોઈએ અને હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે વાત કરવી જોઈએ.
તેમણે કહ્યુ હતુ કે, યાહ્યા સિનવારને યુએન દ્વારા સલાહ આપવામાં આવે કે , હથિયાર નાંખી દો, શરણાગતિ સ્વીકારી દો અને બંધકોને મુક્ત કરી દો એટલે ખરા અર્થમાં યુધ્ધ વિરામ થશે અને તે કાયમી હશે.
ઈઝરાયેલના રાજદૂતે યુએનની સભામાં યાહ્યા સિનવારના ફોટા અને હમાસ કાર્યાલયના ફોન નંબર વાળુ પોસ્ટર પણ દર્શાવ્યુ હતુ. રાજદૂત ગિલાદ એર્દાને કહ્યુ હતુ કે, હું નથી જાણતો કે કોઈ પોતાની જાતને અરીસામાં કેવી રીતે જૂએ છે… હમાસના કૃત્યોને નહીં વખોડનારા અને હમાસની ઝાટકણી કાઢ્યા વગરના પ્રસ્તાવનુ કોઈ સમર્થન કેવી રીતે કરી શકે તે વાતનુ મને આશ્ચર્ય છે. પણ મારા મત અનુસાર હાઝામાં હમાસની ઓફિસનો નંબર આ પોસ્ટર પર લખેલો છે અને તમે ઈચ્છો તો તેમને કોલ કરી શકો છો