૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કરનાર દિગ્ગજ અભિનેતા રવિન્દ્ર બર્ડેનું નિધન

મુંબઇ,મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ મરાઠી અભિનેતા રવિન્દ્ર બર્ડેનું નિધન થયું છે. તેમણે ૭૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. રવિન્દ્ર બર્ડેએ તેમની ભૂમિકાઓથી મરાઠી સિનેમામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેઓ થોડા મહિનાઓથી ટાટા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

મળતી માહિતી મુજબ, તેમને બે દિવસ પહેલા હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા હતા. ઘરે આવ્યા બાદ અચાનક તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમનું મૃત્યુ થયું. તેઓ વીસ વર્ષની ઉંમરે થિયેટર સાથે જોડાયા હતા. તેમણે ૩૦૦થી વધુ મરાઠી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા. તેમના નિધનથી મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે. રવિન્દ્ર બર્ડેના પરિવારમાં પત્ની, બે બાળકો, પુત્રવધૂ અને પૌત્ર-પૌત્રીઓ છે. ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા પણ શોક વ્યક્ત કરી રહ્યા છે.

અશોક સરાફ, વિજય ચવ્હાણ, મહેશ કોઠારે, વિજુ ખોટે, સુધીર જોશી અને ભરત જાધવ સાથે રવિન્દ્રની જોડીને પડદા પર ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમણે અનેક પ્રકારના પાત્રોથી લોકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું હતું. રવિન્દ્ર મરાઠી ઉપરાંત હિન્દી સિનેમામાં પણ સક્રિય હતા. તેણે સિંઘમ, ચિંગી જેવી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. એક્ટર હોવા ઉપરાંત રવિન્દ્ર બર્ડેની બીજી ઓળખ એ છે કે તેઓ લક્ષ્મીકાંત બર્ડેના ભાઈ હતા. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું.

૧૯૯૫માં એક નાટકના મંચન દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. આ પછી, વર્ષ ૨૦૧૧માં તેઓ કેન્સર જેવા ગંભીર રોગથી પ્રભાવિત થયા, પરંતુ કલા સાથે જોડાઈને, તેમણે આ મુશ્કેલીઓને સરળતાથી પાર કરી. નાટક પ્રત્યેનો તેમનો શોખ એ વાત પરથી સમજી શકાય છે કે કેન્સરથી પીડિત હોવા છતાં તેઓ નાટકો જોવા જતા હતા.