મુંબઇ, ઑસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની વચ્ચે ૧૪ ડિસેમ્બરથી પહેલા ટેસ્ટ સીરીઝની શરૂઆત થશે. બંને ટીમો ૩ ટેસ્ટ મેચની આ સીરીઝમાં સૌથી પહેલા પર્થમાં આમને-સામને થશે. પણ આ મેચ પહેલા જ એક વિવાદ શરૂ થઈ ગયો છે જે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધનાં કારણે થયો છે.
ઑસ્ટ્રેલિયાનાં ઓપનર ઉસ્માન ખ્વાજા સતત ઈઝરાયલ-પેલેસ્ટાઈન જંગ પર કંઈને કંઈ કમેન્ટ કરતાં રહે છે. હવે પાકિસ્તાનની સામે થવાની ટેસ્ટથી પહેલા પણ તેમણે પોતાના જૂતાની મદદથી એક સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે. તેઓ પ્રેક્ટિસ દરમિયાન એવા શૂઝ પહેરીને આવ્યાં જેના પર એક સ્પેશિયલ મેસેજ લખવામાં આવ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ જૂતા પર લખ્યું હતું કે આઝાદી એક માનવાધિકાર છે અને તમામ જીવ એક્સમાન છે. આ સંદેશો પેલેસ્ટાઈનનાં સપોર્ટમાં લખવામાં આવી હતી.
મેચથી પહેલા જ આ ફોટો વાયરલ થયો જેના લીધે વિવાદ છેડાઈ ગયો. આઇસીસીનાં નિયમ અનુસાર કોઈપણ ઈંટરનેશનલ મેચ કે સીરીઝની વચ્ચે કોઈ ખેલાડી કે ટીમ સાથે સંકળાયેલો કોઈ વ્યક્તિ રાજકીય નિવેદન કે સંદેશ ન આપી શકે. જો કે સીરીઝની હજુ સુધી શરૂઆત નથી થઈ અને ઉસ્માન ખ્વાજાએ પ્રેક્ટિસ દરમિયાન આ જૂતા પહેર્યાં હતાં. ઉસ્માન ખ્વાજા પહેલાં પણ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન મુદે ઘણાં વોકલ રહ્યાં છે. તેમણે સતત પેલેસ્ટાઈનનું સમર્થન કર્યું છે અને ઈંટરનેશનલ કમ્યૂનિટીને આ મામલા પર એક્શન લેવા માટે અપીલ પણ કરી છે.