નડિયાદ : ખેડા જિલ્લામાં બિલોદરા ખાતે કથિત લઠ્ઠાકાંડમાં સિરપનું સેવન કરનાર ૭ વ્યક્તિના મોત નિપજ્યા હતા. આ સિરપ કાંડ મામલે ગુજરાત માનવ અધિકાર પંચે માંગેલો અહેવાલ તૈયાર કરવા વહીવટી તંત્રએ દોડધામ શરૂ કરી છે.
બિલોદરા ગામે દેવદિવાળીની રાત્રે સિરપનું સેવન કરનારા કુલ સાત વ્યક્તિના મોત નીપજ્યા હતા. આ બનાવના પગલે સમગ્ર રાજ્યમાં ખળભળાટ વ્યાપી ગયો હતો. આ કથિત લઠ્ઠાકાંડમાં પોલીસ તંત્રએ અત્યાર સુધીમાં કુલ સાત આરોપીઓની ધડપકડ કરી હતી.
જેમાં સિરપ બનાવવાની ફેક્ટરીના માલિક યોગેશ સિંધી અને સિરપ વેચનાર કરિયાણા સ્ટોરના દુકાનદાર કિશોર સોઢાના ૧૦ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરી હતી. જેથી સિરપ ફેક્ટરીના માલિક યોગેશ સિંધીના તા.૧૪મી સુધીના વધુ ચાર દિવસના જ્યારે બિલોદરાના દુકાનદાર કિશોર સોઢાના તા.૧૩ની સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
જ્યારે આરોપી ઈશ્વરભાઈ સાંકળભાઈ સોઢાને રિમાન્ડ પૂર્ણ થતા બિલોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ઉપરાંત આરોપી ભાવેશભાઈ સેવકાણી, નીતિન અજયભાઈ કોટવાણી તથા તૌફીક હાસીફ મુકાદમ તા.૧૪ ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર છે. આ સિરપકાંડની હાલમાં સીટની ટીમ જીણવટ ભરી તપાસ કરી રહી છે. સિરપકાંડ અંગે માનવ અધિકાર પંચે માંગેલો ખુલાસો નિયત સમય મર્યાદામાં મોકલી આપવામાં આવશે તેમ પોલીસ અધ્યક્ષ રાજેશ ગઢીયાએ જણાવ્યું છે.
મુંબઈનો તૌફીક એપ્સોલ નામના ઈન્વોઈસથી મિથાઈલ આલ્કોહોલ મોકલતો હતો
નડિયાદના યોગેશ સિંધી સિરપ બનાવવા મુંબઈના તૌફીક પાસેથી મિથાઈલ આલ્કોહોલ મંગાવતો હતો. તૌફીક એપ્સોલના ઈન્વોઈસથી મિથાઈલ આલ્કોહોલ મોકલતો હોવાની હકીકત બહાર આવી છે. તૌફીક જામ ખંભાળીયાના ગુનામાં પણ વોન્ટેડ છે.
બિલોદરાના સિરપકાંડમાં ઝડપાયેલો આરોપી રાજદીપસિંહ ઉર્ફ બાપુ મહેન્દ્રસિંહ વાળા તા.૧૮મી સુધીના રિમાન્ડ પર છે પરંતુ તેની તબિયત બગડતા હાલ સિવિલ હોસ્પિટલ નડિયાદમાં સારવાર હેઠળ છે. જેથી તેની પૂછપરછ થઈ શકી નથી. આ આરોપીની પૂછપરછમાં ચોકાવનારી હકીકત બહાર આવવાની સંભાવના છે.