નવીદિલ્હી, પીએમ નરેન્દ્ર મોદી ૨૫ ડિસેમ્બરે અયોધ્યા એરપોર્ટનું ઉદઘાટન કરશે. આના પગલે ૧૫ ડિસેમ્બર સુધી કામ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. અયોધ્યા ઇન્ટરનેશનલ એરપોર્ટનું નામ શ્રીરામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. એરપોર્ટનું કામ લગભગ પૂરુ થઈ ગયું છે.
રિપોર્ટ્સ મુજબ હાલમાં તેના વિવિધ લાઇસન્સની પ્રક્રિયા ચાલુ છે. એરપોર્ટ અથોરટીને એરપોર્ટ ટિકિટોનું વેચાણ ચાલુ કરી શકે તે માટે એવાયજે કોડ પણ ચાલુ કર્યા છે. સંભાવના છે કે એરપોર્ટથી પ્રથમ ઉડાન ૧૦ જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે અને તે પ્રથમ ફ્લાઈટ દિલ્હી માટે શક્ય છે.
રિપોર્ટ્સ અનુસાર, ૨૨૦૦ મીટર લાંબા અને ૪૫ મીટર પહોળા રનવેનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે, જેના પર એરબસ-છ૩૨૦ ઉડી શકે છે. સુલતાનપુર સ્ટેટ હાઇવે પર સ્થિત ડભાસેમર પાસે એરપોર્ટ આવવા-જવા માટે નવો ફોર લેન રોડ બનાવવામાં આવ્યો છે.
એરપોર્ટમાં બે ટેક્સી-વે અને એપ્રોન પણ બનાવવામાં આવ્યા છે. આ એપ્રોનમાં ચાર એરોપ્લેન પાર્ક કરી શકાય છે. એક આઈસોલેશન એરિયા પણ બનાવવામાં આવ્યો છે, જ્યાં ઈમરજન્સીની સ્થિતિમાં વિમાન પાર્ક કરી શકાય છે. એરપોર્ટ ઓથોરિટી બીજા તબક્કામાં ૩,૧૨૫ મીટર લાંબો રનવે અને ત્રીજા તબક્કામાં ૩,૭૫૦ મીટર લાંબો રનવે બનાવવાનું આયોજન કરી રહી છે, જેના પર મોટા વિમાનો પણ ઉતરી શકશે.