લખનૌ, ઉત્તર પ્રદેશના સોનભદ્રની દુબ્ધિ સીટના ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડ કિશોરી પર બળાત્કારના કેસમાં દોષી સાબિત થયા છે. ૨૦૧૪માં જ્યારે તેઓ ગામના સરપંચ હતા ત્યારે તેમની પર ૧૫ વર્ષની સગીરા પર બળાત્કારનો આરોપ લાગ્યો હતો જે સાચો સાબિત થયો હતો.
સાંસદ-ધારાસભ્ય કોર્ટે કિશોરી પર બળાત્કારના કેસમાં ભાજપના ધારાસભ્ય રામદુલાર ગોંડને દોષિત ઠેરવ્યા છે.સુનાવણી બાદ એમપી એમએલએલ કોર્ટના જજ એહસાનુલ્લા ખાને સજા માટે ૧૫ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. કોર્ટના આદેશ પર પોલીસે ધારાસભ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં લીધા હતા.
રામદુલાર ગોંડ પર લગભગ આઠ વર્ષ પહેલા એક કિશોરી પર બળાત્કાર કરવાનો આરોપ હતો. પીડિતાના પિતાની ફરિયાદના આધારે મ્યોરપુર પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે. ત્યારે રામદુલાર ગોંડ ધારાસભ્ય ન હતા. આ કેસની સુનાવણી પોક્સો કોર્ટમાં ચાલી રહી હતી. તેમના ધારાસભ્ય તરીકે ચૂંટાયા પછી, ફાઇલો સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ કોર્ટમાં પણ નવેમ્બરમાં જ દલીલો પૂરી થઈ ગઈ હતી, પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસરની બદલીના કારણે નિર્ણય થઈ શક્યો નહોતો. નવા પ્રિસાઇડિંગ ઓફિસર એહસાનુલ્લા ખાને ચાર્જ સંભાળ્યા પછી વિવિધ તારીખો પછી શુક્રવારે ચર્ચા સમાપ્ત થઈ. કોર્ટે આ કેસમાં ચુકાદો આપવા માટે ૧૨ ડિસેમ્બરની તારીખ નક્કી કરી હતી.સગીરા રેપ કેસમાં દોષી ઠરેલા રેપિસ્ટ ધારાસભ્યને ૧૫ ડિસેમ્બરે સજા સંભળાવવામાં આવશે. કોર્ટે તેમને રેપના દોષી માન્યાં છે.
૨૦૧૪ની સાલમાં યુપીના સોનભદ્રમાં એક ગામમાં તે વખતના સરપંચ રામદુલાર ગોંડે ૧૫ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું તે વખતે મોટો હોબાળો થયો હતો. પીડિતાના પિતાએ ફરીયાદ નોંધાવતાં આરોપી ધારાસભ્ય સામે તપાસ શરુ કરવામાં આવી હતી અને હવે આઠ વર્ષ બાદ તેમને દોષી ઠેરવાયા છે.