ઓક્ટોબરમાં ભારતના ઓદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર ૧૬ મહિનાની મહત્તમ સપાટી ૧૧.૭ ટકાએ પહોંચી ગયો છે. મેન્યુફેકચરિંગ, માઇનિંગ અને વીજળી સેક્ટરના સારા દેખાવને પગલે આ વૃદ્ધિ જોવા મળી છે. બીજી તરફ આજે નવેમ્બર, ૨૦૨૩ના રીટેલ ફુગાવાના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા હતાં. નવેમ્બરમાં રીટેલ ફુગાવો ૫.૫૫ ટકા રહ્યો છે જે ત્રણ મહિનાનો સૌૈથી વધુ છે.
મંગળવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ભારતના ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડકશન (આઇઆઇપી)નો વૃદ્ધિ દર ઓક્ટોબર, ૨૦૨૩માં ૧૬ મહિનાના ઉચ્ચ સ્તર ૧૧.૭ ટકાએ પહોંચી ગયો છે.
એક વર્ષના સમાન ગાળામાં એટલે કે ઓક્ટોબર, ૨૦૨૩માં ઔદ્યોગિક ઉત્પાદનમાં ૪.૧ ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફીસ (એનએસઓ) દ્વારા જારી કરવામાં આવેલા માસિક આંકડા અનુસાર મેન્યુફેકચરિંગ સેક્ટરના ઉત્પાદન ૧૦.૪ ટકાનો વધારો થયો છે.
માઇનિંગ સેક્ટરની વૃદ્ધિ દર ૧૩.૧ ટકા રહ્યો છે જ્યારે વીજળી સેક્ટરના ઉત્પાદનમાં ૨૦.૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
આ સાથે જ ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ થી ઓક્ટોબર સુધીના સાત મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ દર ૬.૯ ટકા રહ્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૫.૩ ટકા હતો.
ખાદ્ય વસ્તુઓના ઉંચા ભાવને કારણે નવેમ્બરમાં રીટેલ ફુગાવો વધીને ૫.૫૫ ટકા થઇ ગયો છે જે ત્રણ મહિનાની ઉંચી સપાટી છે તેમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) આધારિત રીટેલ ફુગાવો ઓક્ટોબરમાં ૪.૮૭ ટકા હતો. ઓગસ્ટ પછી રીટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓગસ્ટમાં રીટેલ ફુગાવો ૬.૮૩ ટકા હતો.
ગયા વર્ષે નવેમ્બરમાં રીટેલ ફુગાવો ૫.૮૮ ટકા હતો. એનએસઓ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર નવેમ્બરમાં ખાદ્ય ફુગાવો ૮.૭ ટકા રહ્યો છે જે અગાઉના મહિના ઓક્ટોબરમાં ૪.૬૭ ટકા હતો. જ્યારે નવેમ્બર, ૨૦૨૨માં ખાદ્ય ફુગાવો ૪.૬૭ ટકા હતો.