દાહોદ, પોલીસ કેસમાં નામ લખાવવાના મામલે ઝાલોદ તાલુકાના મહુડી ગામે ચોરા ફળિયામાં થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતાં ત્રણ જણાને ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
ઝાલોદ તાલુકાના મહુડી ગામના ચોરા ફળિયામાં રહેતા રાહુલભાઈ ઉદેસિંહભાઈ ગરાસીયાએ મધાનીસર ગામના નિશાળ ફળિયાના સુનીલભાઈ વીરસીંગભાઈ કટારાને કહેલ કે, એક મહીના અગાઉ છાસીયા ગામે થયેલ પોલીસ કેસમાં તે મારૂ નામ કેમ લખાવેલ છે. આ સાંભળી એકદમ ઉશ્કેરાયેલા સુનીલભાઈ વીરસીંગભાઈ કટારા, અનીલ વીરસીંગભાઈ કટારા, નીખીલ વીરસીંગભાઈ કટારા, સંજયભાઈ વીરસીંગભાઈ કટારા, રાકેશ મથુરભાઈ કટારાએ ઝઘડો તકરાર કરી બેફામ ગાળો બોલી લાકડીઓનો મારમારી રાહુલભાઈ ગરાસીયાને બરડાના ભાગે માર મારતાં ઉદેસીંગભાઈ નરસીંગભાઈ ગરાસીયા તથા સંદીપભાઈ ઉદેસીંગભાઈ ગરાસીયા એમ બંને જણા રાહુલભાઈને છોડાવવા વચ્ચે પડતાં સંદીપભાઈને જમણા ગાલના નીચેના ભાગે તથા બરડાના ભાગે લાકડીના ફટકા મારી તથા ઉદેસીંગભાઈ નરસીંગભાઈ ગરાસીયાને માથામાં લાકડીના ફટકા મારી તથા મધાનીસર ગામના ઉપરોક્ત પાંચે જણાએ રાહુલભાઈ ગરાસીયા, સંદીપભાઈ ગરાસીયા તથા ઉદેસીંગભાઈ ગરાસીયાને ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે ઈજાગ્રસ્ત રાહુલભાઈ ઉદેસીંગભાઈ ગરાસીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે ઝાલોદ પોલીસે મધાનીસગર ગામના કટારા કુટુંબના ઉપરોક્ત પાંચે જણા વિરૂધ્ધ ઈપિકો કલમ 324, 323, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.