દાહોદ,ચમકતી આંખોમાં અનેરો ઉત્સાહ અને મનમાં વર્ષ 2047 સુધીમાં આપણાં દેશને વિકસિત દેશોની હરોળમાં સામેલ કરવાનો દ્રઢ નિર્ધાર આ તસ્વીરો છે. દાહોદ જીલ્લાના વિવિધ ગામોની કે જ્યાં લોકકલ્યાણના વચન સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથ ભ્રમણ કરી રહ્યાં છે. સિંગવડ તાલુકાનાં મલેકપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં રથ પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનોએ વાજતેગાજતે રથનું સ્વાગત કર્યું હતું. સૌ કોઈ આ કાર્યક્રમમાં જોડાયા હતા અને સરકારની કલ્યાણલક્ષી વિવિધ યોજનાઓથી વાકેફ અને લાભાન્વિત થયા હતા.
દાહોદ જીલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ જેમ જેમ રથ આગળ વધી રહ્યા છે, તેમ તેમ ગામલોકોની આકાંક્ષાઓ સાથે વિકાસ અને સમૃદ્ધિ માટે વિકસિત રાષ્ટ્રની આશાઓ અને સપનાઓને પણ વહન કરી રહ્યા છે. ગામની બાળાઓએ સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરી દેશભક્તિનો માહોલ ઉભો કર્યો હતો.
મામલતદાર રાજેશ્ર્વરીબેન ઝાલા એ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ નિહાળ્યો હતો. ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-2047 ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયત સભ્યો, જીલ્લા પંચાયત સભ્યો, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.