ગોધરા,ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિભાગ અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર ગોધરા સીવીલ હોસ્પિટલમાં કાર્યરત છે. જેમાં હિંસાથી પીડિત મહિલાઓની તમામ સમસ્યાનું નિરાકરણ નિ:શુલ્ક કરવામાં આવે છે.
હાલોલ ટાઉન પો.સ્ટેશનના હદ વિસ્તારના બસ સ્ટેશન માંથી એક બહેન મળી આવ્યા હતા. જેઓને પોતાનું નામઠામ પૂછતા જીરાબેન નાનુભાઈ લુહાર રહે.સીરહર યુ.પી.ના હોવાનું જણાવ્યું હતું. વધુમાં પૂછતાં જણાવ્યું હતું કે તા.29-11-2023 ના રોજ પોતાના પતિ તેમજ નાની બાળકી સાથે પાવાગઢ માતાજી ના દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કર્યા બાદ આ બહેનના પતિ મૂકીને જતા રહયા હતા. આ બહેનને ત્યાંથી લઈ આવીને હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે હાલોલ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. તેઓનું ઓ.એસ.સી.ના સંચાલક કલ્પનાબેન અને ટીમ દ્વારા બહેનનું સતત કાઉન્સેલિંગ કરતા આ બહેન એ તેમનું સરનામું ગામ સીરહર તાલુકો મીરઝાપુર જીલ્લો કુડીયાના (યુ.પી.) જણાવ્યું હતું. તેમજ આ બહેન જોડે કોઈ સંપર્ક નંબર પણ મળી ના આવતા તેમના વતન ખાતે આવેલ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક ગોધરા ઓ.એસ.સી.ના કેસ વર્કર રીન્કુ પંચાલ દ્વારા કરીને આ બહેનના ઘરનો સંપર્ક કરવામાં આવતા ત્યાંથી આ બહેનના જીજાજી તથા ભાઈ હાલોલ ઓ.એસ.સી. પર તા.11-12-2023 ના રોજ આ બહેનના લેવા માટે આવ્યા હતા. આ બહેનના ભાઈ અને જીજાજીને મળી આ બહેનની સોંપણી કરવામાં આવી હતી. આ બહેનને હેમખેમ જોતા અને પરીવાર સાથે મેળાપ થતા જ સખી વન સ્ટોપ સેન્ટર પંચમહાલની ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.