પાકિસ્તાનમાં ભયાનક આતંકવાદી હુમલો, અનેક પોલીસ કર્મીઓના મોત નિપજયાં

  • આત્મઘાતી બોમ્બરોએ દક્ષિણ વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે આવેલા અશાંત ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો.

ઇસ્લામાબાદ, પાકિસ્તાન તાજેતરના સમયમાં આતંકવાદ સામે ખરાબ રીતે સંઘર્ષ કરી રહ્યું છે. તેણે જે આતંકવાદી સંગઠનોને પોષ્યા તે જ હવે ’ભસ્માસુર’ની જેમ તેની પાછળ પડ્યા છે. તાજેતરના કિસ્સામાં, આતંકવાદીઓએ મંગળવારે પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આ હુમલામાં ઓછામાં ઓછા ૬ સુરક્ષા જવાનો શહીદ થયા હતા. જ્યારે ૧૬ જેટલા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.

આત્મઘાતી બોમ્બરોએ દક્ષિણ વઝીરિસ્તાન આદિવાસી જિલ્લાની સરહદે આવેલા અશાંત ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં દરબન પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન બિલ્ડિંગમાં વિસ્ફોટકો ભરેલા વાહનને ઘુસાડ્યું અને પછી મોર્ટાર વડે હુમલો કર્યો. પોલીસે જણાવ્યું કે હુમલા બાદ સુરક્ષા દળો અને હુમલાખોરો વચ્ચે ગોળીબારમાં ઓછામાં ઓછા છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને ૧૬ ઘાયલ થયા.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ તમામ હુમલાખોરોને ઠાર માર્યા હતા જ્યારે તાજી પોલીસ ટુકડીઓ સ્થળ પર દોડી આવી હતી અને બાદમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પ્રમાણમાં અજાણ્યા આતંકવાદી સંગઠન તહરીક-એ-જેહાદ પાકિસ્તાને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પાકિસ્તાનમાં કેટલાક મોટા હુમલા પાછળ આ આતંકી સંગઠનનો હાથ છે. તેના પ્રવક્તા મુલ્લા કાસિમે આ હુમલાને આત્મઘાતી મિશન (ફિદાયીન હુમલો) ગણાવ્યો હતો. હુમલાને કારણે જિલ્લાની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી જ્યારે તમામ શાળા-કોલેજો બંધ રાખવામાં આવી હતી.

હાલના દિવસોમાં પાકિસ્તાનમાં ભયાનક આતંકવાદી હુમલાઓ થઈ રહ્યા છે. ગયા મહિનાની શરૂઆતમાં, ખૈબર પખ્તુનખ્વામાં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. આ હુમલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થયા છે. સેનાએ અહીં બે અલગ-અલગ આતંકવાદી હુમલામાં બે જવાનો સહિત ત્રણ લોકોના મોતની માહિતી આપી હતી. પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદન જારી કરીને કહ્યું કે ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના મીર અલી તહસીલમાં સોમવારે આતંકવાદીઓ સામેની અથડામણમાં બે સૈનિકો માર્યા ગયા.

બીજી ઘટના ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના દ્રઝિંદા તહસીલમાં બની જ્યારે એક તેલ અને ગેસ કંપનીના કાફલા પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં કંપનીના ડ્રાઈવરનું મોત થયું હતું અને અન્ય ૧૧ લોકો ઘાયલ થયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ પહેલા પણ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓએ તબાહી મચાવી છે. શુક્રવાર, ૪ નવેમ્બરના રોજ, આતંકવાદીઓએ પાકિસ્તાનના દક્ષિણ-પશ્ર્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા ૧૪ જવાનો શહીદ થયા હતા. બલૂચિસ્તાનમાં આ આતંકવાદી હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો માનવામાં આવે છે, જેમાં પાકિસ્તાની સેનાના સૌથી વધુ સૈનિકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, આતંકવાદીઓએ આ હુમલો ત્યારે કર્યો જ્યારે સૈનિકોના બે વાહનો ગ્વાદર જિલ્લાના પસનીથી ઓરમારા વિસ્તારમાં જઈ રહ્યા હતા.