
વોશિંગ્ટન, અમેરિકામાં દર પાંચમાંથી એક બાળક સ્કૂલના હોમવર્કમાં ચેટજીપીટીનો સહારો લે છે. તાજેતરમાં પ્યૂ રિસર્ચ દ્વારા ૧૩થી ૧૭ વયનાં બાળકો પર હાથ ધરાયેલા સરવેમાં આ માહિતી સામે આવી છે. સરવે મુજબ મોટા ભાગના કિશોરો ચેટજીપીટીથી સંપૂર્ણ માહિતગાર છે.
ચેટજીપીટી વિશે જાણતા કિશોરોમાંથી ૧૯ ટકાએ કહ્યું કે સ્કૂલના હોમવર્કમાં તેનો ઉપયોગ કરીએ છીએ. તમામ અમેરિકી કિશોરોમાં ૧૩ ટકાને હોમવર્કમાં જેનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ (એઆઈ) ચેટબોટનો ઉપયોગ કર્યો છે. ગયા વર્ષે ચેટની રજૂઆતથી શાળાઓમાં તેની ભૂમિકા વિશે ઘણી ચર્ચા થઈ હતી. ખાસ કરીને તે મુદ્દે ચર્ચા થઈ હતી કે શાળાઓએ આ નવી ટેક્નોલોજીનો શિક્ષણનાં સાધનો તરીકે સમાવેશ કરવો જોઈએ કે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
ચેટજીપીટી વિશે જાણકાર ધોરણ૧૧ અને ૧૨ના ૨૪% વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે તેમણે સ્કૂલના કામમાં ચેટજીપીટીનો ઉપયોગ કર્યો છે. ધોરણ ૯ અને ૧૦ના ૧૭% વિદ્યાર્થીઓ અને ધોરણ ૭ અને ૮ના ૧૨% વિદ્યાર્થીઓએ તેનો ઉપયોગ હોમવર્ક માટે કર્યો છે. સરવેમાં જાણવા મળ્યું છે કે મોટા વર્ગના કિશોરો હોમવર્કમાં મદદ કરવા માટે ચેટબોટ્સનો ઉપયોગ કરે તેવી શક્યતા વધુ હોય છે. બીજી તરફ ચેટજીપીટીનો ઉપયોગ કરતા કિશોરવયના છોકરાઓ અને છોકરીઓ વચ્ચે કોઈ નોંધપાત્ર તફાવત નથી.