ભારતીય વંશની રિજુલ મૈનીના શિરે ‘મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૨૩’નો તાજ

મુંબઇ, ભારતીય મૂળની અમેરિકન સ્ટુડન્ટ રિજુલ મૈની મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ હેડલાઈન્સમાં છે. ન્યુ જર્સીમાં સૌંદર્ય સ્પર્ધા જીત્યા બાદ રિજુલ સમાચારમાં છે.આ સ્પર્ધાને ભારતની બહાર લાંબી ચાલતી સ્પર્ધા તરીકે જોવામાં આવે છે. આ વર્ષે આ સ્પર્ધાની ૪૧મી આવૃત્તિ ખૂબ જ લોકપ્રિય રહી હતી. આ સ્પર્ધામાં અમેરિકાના ૨૫ થી વધુ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા માત્ર ભારતીય મૂળના અમેરિકન નાગરિકો માટે છે.જ્યારે મેસેચ્યુસેટ્સની સ્નેહા નામ્બિયારે મિસિસ ઈન્ડિયા યુએસએ અને પેન્સિલવેનિયાની સલોની રામમોહને મિસ ટીન ઈન્ડિયા યુએસએનો ખિતાબ જીત્યો હતો.

આયોજકોનું કહેવું છે કે ૨૫ થી વધુ દેશોના ૫૭ ઉમેદવારોએ ત્રણ અલગ-અલગ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આ ત્રણ સૌંદર્ય સ્પર્ધાઓમાં મિસ ઈન્ડિયા યુએસએ, મિસિસ ઈન્ડિયા યુએસએ અને મિસ ટીન ઈન્ડિયા યુએસએનો સમાવેશ થાય છે. આ સૌંદર્ય સ્પર્ધાની શરૂઆત ન્યૂયોર્ક સ્થિત ભારતીય-અમેરિકન ધર્માત્મા સરન અને નીલમ સરન દ્વારા વર્લ્ડવાઈડ પેજન્ટ્સના બેનર હેઠળ કરવામાં આવી હતી.

વર્લ્ડવાઈડ પેજન્ટ્સના સ્થાપક અને પ્રમુખ, ધર્માત્મા સરને કહ્યું કે હું વિશ્ર્વભરના ભારતીય સમુદાયને વર્ષોથી સતત મળતા સમર્થન માટે ખૂબ જ આભારી છું.આ જીત બાદ રિજુલે કહ્યું કે મિસ ઈન્ડિયા યુએસએ ૨૦૨૩નો ખિતાબ જીત્યા બાદ તે ખૂબ જ ખુશ અને આભારી છે. મારા માતા-પિતા અને પરિવારના સહયોગ વિના આ શક્ય ન બન્યું હોત. મિશિગન પેજન્ટ ડિરેક્ટર્સ અને મારા મિત્રોએ મને દરેક પગલામાં ટેકો આપ્યો.રિજુલ મૈની ભારતીય મૂળની ૨૪ વર્ષની અમેરિકન મેડિકલ સ્ટુડન્ટ છે. રિજુલ સર્જન બનીને મહિલાઓ માટે રોલ મોડલ બનવા માંગે છે.