આઇપીએલ હરાજીમાં ખેલાડીઓ પર કરોડોનો વરસાદ થશે,દુબઈમાં ૧૯ ડિસેમ્બરના રોજ હરાજી

મુંબઇ, આઇપીએલ ૨૦૨૪ પહેલા થનાર હરાજીમાં જે ખેલાડીઓની બોલી બોલાશે, તેમનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. દુબઈમાં ૧૯ ડિસેમ્બરના રોજ આઇપીએલની હરાજી થશે, જે બપોરે ૨.૩૦ વાગ્યે શરૂ થશે. આ હરાજી માટે બધી ટીમોએ તૈયારી કરી લીધી છે.બીસીસીઆઇની પ્રેસ રિલીઝ અનુસાર આ વર્ષે કુલ ૩૩૩ ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, જેમાં ૨૧૪ ભારતીય ખેલાડી અને ૧૧૯ વિદેશી ખેલાડી છે.

આ વર્ષે બે એસોસિએટ દેશોના ખેલાડીઓને પણ આ લિસ્ટમાં શામેલ કરવામાં આવ્યા છે. કુલ ૩૩૩ ખેલાડી સ્ત્રીઓમાંથી ૧૧૧ કેપ્ડ પ્લેયર છે અને ૨૧૫ અનકેપ્ડ પ્લેયર છે. ટીમ પાસે કુલ ૭૭ ખેલાડીઓની જગ્યા છે, ૩૩૩ પ્લેયર્સમાંથી ૭૭ ખેલાડી જ વેચાશે.

આ લિસ્ટમાં ૨૩ ખેલાડી એવા છે, જેની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા છે. ૧૩ ખેલાડીઓની બેઝ પ્રાઈસ ૧.૫ કરોડ રૂપિયા છે. અન્ય ખેલાડીઓની બેઝ પ્રાઈસ ૧ કરોડ, ૫૦ લાખ, ૩૦ લાખ અને ૧૦ લાખ રૂપિયા છે. હરાજીના થોડા સમય પહેલા જ તમામ ટીમોએ રિલીઝ અને રિટેન કરેલ ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાંથી અનેક પ્લેયર્સને રિલીઝ કરવામાં આવ્યા હતા.

આઇપીએલ હરાજીમાં અનેક નામ એવા છે, જે જાણીને ચોંકી જશો. વર્લ્ડ કપ ફાઈનલમાં ભારત સામે સદી ફટકારનાર ટ્રેવિસ હેડ પણ હરાજીમાં શામેલ છે. ટ્રેવિસ હેડની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા છે. મિચેલ સ્ટાર્ક, સ્ટીવ સ્મિથ, પેટ કમિંસ અને જોશ ઈંગ્લિસ પણ હરાજીમાં શામેલ થશે. આ તમામ ખેલાડીની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા છે.