ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપયાર્ડ ડચકા ખાઈ રહ્યો છે

ભાવનગરનો અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ હાલ તેના અસ્તિત્વ માટે ડચકા ખાઈ રહ્યો છે. છેલ્લા 40 વર્ષથી ભાવનગરની આર્થિક કરોડરજ્જુ એવા અલંગ શિપ યાર્ડમાં આ વખતે શિપની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. અલંગમાં વિશ્વભરમાંથી જહાજો રિસાયકલિંગ માટે અને જુના જહાજો ભંગાણ માટે આવે છે.

જો કે છેલ્લા ત્રિમાસિક ગાળાના જહાજ બ્રેકિંગના અલંગના જે આંકડા સામે આવ્યા છે તે ચિંતાજનક છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન અલંગમાં સમગ્ર વિશ્વમાંથી માત્ર 29 જહાજો અલંગના ફાળે આવ્યા. પહેલાની સરખામણીએ ઘણા ઓછા જહાજો હાલ બ્રેકિંગ માટે આવી રહ્યા છે. જ્યારે બાંગ્લાદેશ, તુર્કી અને પાકિસ્તાન જેવા દેશોમાં મોટાભાગના જહાજો ભંગાણ માટે જઈ રહ્યા છે.

જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર વિશ્વમાંથી કુલ 111 જહાજ ભંગાણ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાં 54 જહાજ સાથે બાંગ્લાદેશ સર્વોચ્ચ સ્થાને છે. જ્યારે અલંગના ફાળે માત્ર 29 જહાજો આવ્યા છે. જે જહાજ આવ્યા છે તે પણ નાના કદના જહાજો છે. જ્યારે તુર્કીને 14 અને પાકિસ્તાનમાં 5 અને યુરોપિયન દેશોમાં 9 જહાજનું ભંગાણ કરાયુ હતુ.

ઈન્ડિયા શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ડેટા પ્રમાણે છેલ્લા 3 વર્ષમાં અલંગમાં સ્ક્રેપ કરવામાં આવતા જહાજોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો છે. વર્ષ 2011-12માં 415 જહાજ ભંગાણ માટે અલંગમાં આવ્યા હતા. જે અલંગના ઈતિહાસમાં સર્વોચ્ચ આંકડો હતો. ત્યારબાદના વર્ષોમાં જહાજની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ ઘટાડા પાછળ મુખ્ય કારણ વર્ષ 2008માં BISના નવા નિયમોનું અમલીકરણ છે. જેમા જહાજની પ્લેટમાંથી સળિયા બનાવવા માટેના કાચા માલ તરીકે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

અલંગમાં જહાજની સંખ્યા ઘટવા પાછળ મહત્વનું પરિબળ હાલના સંજોગોમાં ખોટના કારણે ઉદ્યોગકારો પોતાના પ્લોટમાં જહાજ લાવવાથી ડરી રહ્યા છે. સ્થાનિક સ્ક્રેપ માર્કેટ ડરામણી છે અને સતત ઘટી રહી છે. બીજી તરફ જહાજના ભાવમાં ઘટાડો નથી થયો. જેથી આર્થિક ખોટની શક્યતાને કારણે શિપબ્રેકરો થોભો અને રાહ જુઓની રણનીતિ અપનાવી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ દૈનિક ઉત્પાદન ક્ષમતા પણ ઘટાડો થયો છે. હવે સરકારી પ્રોત્સાહન તો મળ્યુ છે ત્યારે જોવુ રહ્યુ કે શિપ રિસાયક્લિંગ વ્યવસાયમાં ફરી ક્યારે પૂર્વવત થાય છે.