કોલકતા, ટીએમસી નેતા મહુઆ મોઇત્રાની લોક્સભાની સદસ્યતા રદ્દ થયા બાદ પણ મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો. મહુઆ મોઇત્રાને ૩૦ દિવસમાં સરકારી મકાન ખાલી કરવા નોટિસ મોકલવામાં આવી છે. મહત્વનું છે કે કેશ ફોર ક્વેરી મામલે મહુઆ મોઇત્રાની લોક્સભામાં સદસ્યતા રદ કરવામાં આવી હતી.
જે બાદ તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા લોક્સભા સભ્યપદ છીનવી લેવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે કેશ ફોર ક્વેરી કેસમાં પ્રશ્ર્નોથી ઘેરાયા બાદ અને એથિક્સ કમિટીએ લોક્સભામાં પોતાનો અહેવાલ રજૂ કર્યા બાદ લોક્સભા અધ્યક્ષે તેમને નિષ્કાસિત કર્યા હતા. હવે આના વિરોધમાં મહુઆ મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્ર્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ લોક્સભા અધ્યક્ષ ને ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહાદ્રાઇ દ્વારા આપવામાં આવ્યા છે.
લોક્સભા સ્પીકરને લખેલા પત્રમાં નિશિકાંત દુબેએ કહ્યું હતું કે તેમને વકીલ અને મહુઆના પૂર્વ મિત્ર જય અનંત દેહાદ્રાઇ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે મોઇત્રા અને જાણીતા બિઝનેસ ટાયકૂન દર્શન હિરાનંદાની વચ્ચે પ્રશ્ર્નો પૂછવા માટે લાંચની આપ-લે અંગેના પુરાવા શેર કરવામાં આવ્યા હતા. એવું જણાય છે કે જય અનંતે એક વિગતવાર સંશોધન કર્યું જેના આધારે તેમણે તારણ કાઢ્યું છે કે તાજેતરમાં જ મોઇત્રા દ્વારા પૂછવામાં આવેલ કુલ ૬૦ પ્રશ્ર્નો માંથી ૫૦ પ્રશ્ર્નો દર્શન હિરાનંદાની અને તેની કંપનીના વ્યવસાયિક હિતોને બચાવવા માટે પૂછ્યા હતા. જો કે, મહુઆ મોઇત્રાએ જય અનંતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ આરોપો જુઠ્ઠાણા પર આધારિત છે.
એમ પણ આરોપ છે કે ઉદ્યોગપતિ હીરાનંદાની જુદા જુદા સ્થળોએથી અને મોટાભાગે દુબઈથી પ્રશ્ર્નો પૂછવા માટે મોઈત્રાના લૉગિન આઈડીનો ઉપયોગ કરતાં હતા. આ આરોપો સામે આવ્યા બાદ લોક્સભા અધ્યક્ષ સમગ્ર મામલો સંસદની એથિક્સ કમિટી પાસે મોકલી દીધો હતો.