ગોધરા, ગોધરા નગર પાલિકા હસ્તગત મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરમાં 700થી વધુ દુકાન આવેલી છે. પાલિકાએ ઠરાવ કરીને પાલિકાની દુકાનોના ભાડામાં વધારો કર્યો હતો. જેમા નગર પાલિકા દ્વારા દુકાનોના ભાડામાં 700થી 1000 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. જેમાં જે દુકાનનું ભાડું રૂ.7 હજારથી 10 હજાર હતું. જેમાં તોતીંગ વધારો કરી તે દુકાનનું ભાડું હવે રૂ.70 હજારથી 1 લાખ સુધીના ભાડાનું બિલ સ્થાનિક દુકાનદારોને આપવામાં આવ્યું છે. જેનો દુકાનદારોએ વિરોધ કરીને કલેક્ટર અને પાલિકા ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતુ.
દુકાનદારોએ ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને રજુઆત કરતાં સોમવારના રોજ પાલિકાના હોલમાં ધારાસભ્યની મધ્યસ્થી કરવા બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ધારાસભ્યે પાલિકા અને દુકાનદારો વચ્ચે જે તે સમયે થયેલા કરારનું અધ્યયન કરી બેઠકમાં ભાડાં અંગે દુકાનદારો કેટલું ભાડું ચુકવવા માગે છે તેવું પુછયું હતું. પાલિકા અને દુકાનદાર બંને મનદુખ ના થયા તેવા ભાડા રાખવાની વાત કરી હતી. સાથે દુકાનદારોને ભાડા અંગે પુછતા દુકાનદારોએ આવતા સોમવાર સુધીનો સમય માંગતા હવે પાલિકાની દુકાનના ભાડાંનો નિર્ણય આગામી સોમવારે ખબર પડશે.