ભોપાલ, પ્રધાનમંત્રી મોદી અને તેમના ચાણક્ય કહેવાતા અમિત શાહે આ વખતે ગુજરાતની જેમ મધ્ય પ્રદેશમાં પણ મુખ્યમંત્રી તરીકે નવું નામ જાહેર કરીને સૌ ને ચોંકાવી દીધાં. શિવરાજ સિંહ ચૌહાણ સહિત જે નામો ચર્ચામાં હતા તેને કોરાણે મુકીને નવા ચેહરોને જ સોંપી દેવામાં આવી મધ્ય પ્રદેશની કમાન હવે મોહન યાદવના હાથમાં સોપવામાં આવી છે કહેવાય છે કે નરેન્દ્ર સિંહ તોમર મધ્ય પ્રદેશના વિધાનસભાના સ્પીકર બનશે. મુખ્ય મંત્રી મોહન યાદવને સાથ આપવા તેમની સાથે બે ડેપ્યુટી સીએમ. જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લા રાખવામાં આવશે આ બે વિશ્ર્વાસુ ચહેરા બનશે
ભાજપના ધારાસભ્યોની બેઠકમાં ઓબીસી સમુદાયમાંથી આવતા મોહન યાદવના નામને મંજૂરી આપવામાં આવી હતી.યાદવ વર્ષ ૨૦૧૩માં તેઓ પ્રથમ વખત ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ૨૦૧૮ની મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં, જનતાએ ફરી એકવાર તેમને ઉજ્જૈન દક્ષિણ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટ્યા. ૨ જુલાઈ, ૨૦૨૦ ના રોજ, તેઓ શિવરાજ સિંહ ચૌહાણ સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા અને તેમને ઉચ્ચ શિક્ષણ મંત્રીનું કામ સોંપવામાં આવ્યું. તેમની છબી હિંદુ નેતા જેવી રહી છે અને મોહન યાદવ પણ આરએસએસના નજીકના માનવામાં આવે છે.
૨૫ માર્ચ ૧૯૬૫ના રોજ ઉજ્જૈનમાં જન્મેલા મોહન યાદવે બી એસસી,એલએલબી એમએમાં પોલિટિકલ સાયન્સ, એમબીએ અને પીએચડી કર્યું છે. મોહન યાદવ એબીવીપી સાથે સંકળાયેલા છે. ૧૯૮૨માં તેઓ માધવ સાયન્સ કોલેજના વિદ્યાર્થી સંઘના સહ-સચિવ હતા. આ પછી, તેઓ ૧૯૮૪ માં તેના પ્રમુખ બન્યા. ૧૯૮૪માં, તેઓ એબીવીપી ઉજ્જૈનના શહેર મંત્રી અને ૧૯૮૬ માં, વિભાગના વડા તરીકે ચૂંટાયા. વર્ષ ૧૯૮૮માં, તેઓ એમપી એબીવીપીના રાજ્ય સહ-સચિવ અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા. ૧૯૮૯-૯૦માં તેઓ એબીવીપીના રાજ્ય એકમના રાજ્ય મંત્રી બન્યા અને ૧૯૯૧-૯૨માં તેઓ કાઉન્સિલના રાષ્ટ્રીય મંત્રી બન્યા.૧૯૯૩-૯૫ થી, તેઓ ઉજ્જૈન શહેરમાં આરએસએસના સહ-વિભાગના સચિવ બન્યા અને ૧૯૯૭ માં, તેઓ ભારતીય જનતા યુવા મોરચાની રાજ્ય કાર્યકારી સમિતિના સભ્ય હતા. ૧૯૯૮માં તેઓ પશ્ચિમ રેલવે બોર્ડની સલાહકાર સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
કોંગ્રેસનો આરોપ છેકે, મોહન યાદવે પોતાના અંગત સ્વાર્થ ખાતર ઉજ્જૈન મંદિરના માસ્ટર પ્લાનમાં ફેરફાર કર્યો છે. તેઓ શિવરાજ સરકારમાં મંત્રી હતા તે સમયે પોતાના પરિવારના લોકોને લાભ કરાવવા માસ્ટર પ્લાનનો દૂરઉપયોગ કર્યો હતો. જોકે, યાદવ આ આરોપોને નકારી ચુક્યા છે.
સૂત્રોની માનીએ તો મોહન યાદવે જેતે સમયે માતા સીતાને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું. ત્યારે તેઓ શિવરાજ સિંહની સરકારમાં શિક્ષણ મંત્રી હતાં. એ સમયે મોહન યાદવે કહ્યું હતુંકે, મર્યાદાને કારણે રામે સીતાને છોડવા પડ્યાં. તેમણે વનમાં બાળકોને જન્મ આપ્યો હતો. આજના દૌરમાં આ જીવન છુટાછેડા બાદના જીવન જેવું જ છે.
ભોપાલમાં ભાજપના કેન્દ્રીય કાર્યાલયમાં ધારાસભ્ય દળની બેઠક પહેલા ધારાસભ્યોએ ફોટો સેશન પણ કર્યું હતું. અહીં, રાજ્યના ત્રણ નિરીક્ષકો, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, બીજેપી સાંસદ કે લક્ષ્મણ અને પાર્ટીના નેતા આશા લાકરા સાથે શિવરાજ સિંહ ચૌહાણ, વીડી શર્મા, નરેન્દ્ર સિંહ તોમર, પ્રહલાદ પટેલ અને તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર હતા
શિવરાજસિંહ ચૌહાણે પોતાનું રાજીનામું રાજ્યપાલ મંગુભાઈ પટેલને સોંપ્યુ છે. મોહન યાદવે રાજ્યપાલને મળી સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો
નેટવર્થની વાત કરીએ તો તેમની પાસે કરોડોની સંપત્તિ છે. તેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં આ વાતનો ખુલાસો કર્યો હતો.
રાજ્યના સૌથી અમીર નેતાઓમાં તેમની ગણતરી
મધ્યપ્રદેશના નવા સીએમ પાસે કુલ ૪૨ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે તેમના પર દેણાની વાત કરીએ તો તે લગભગ ૯ કરોડ રૂપિયા છે. એમપીના નવા મુખ્યમંત્રી મોહન યાદવની ગણના રાજ્યના અમીર નેતાઓમાં થાય છે, આ પહેલા મધ્યપ્રદેશ માં ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણી માટે સૌથી વધુ સંપત્તિ જાહેર કરનારા એમપીના ટોપ-૩ મંત્રીઓમાં ભૂપેન્દ્ર સિંહ પ્રથમ સ્થાને હતા અને મોહન યાદવ બીજા સ્થાને હતા.
મોહન યાદવ પાસે છે આટલી સંપત્તિ
મોહન યાદવે તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં પોતાની સંપત્તિની વિગતો આપી હતી. જે મુજબ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી પાસે ૧.૪૧ લાખ રૂપિયાની રોકડ છે, જ્યારે તેમની પત્ની પાસે ૩.૩૮ લાખ રૂપિયાની રોકડ છે. બેંકોમાં જમા રકમ વિશે વાત કરીએ તો, તેમની અને તેમની પત્નીના અલગ-અલગ બેંકોના ખાતાઓમાં ૨૮,૬૮,૦૪૪.૯૭ રૂપિયા જમા છે.