સુરત, સુરતમાં જીએસટીની ટીમે દિવાળી પછીનું ઉઘરાણુ કાઢતા હોય તેમ વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા સ્માર્ટ વોચના વેપારીઓને ત્યાં પાડવામાં આવ્યા હતા. સ્માર્ટ વોચના વેપારીઓ પાસેથી સાત કરોડ રૂપિયાની કરચોરી પકડાઈ હતી.
આ દરોડા ઓનલાઇન વેપારીઓ પર પાડવામાં આવ્યા હતા. જીએસટી વિભાગે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને વેપારીઓની કરચોરી પકડી હતી. વેપારીઓના ઓનલાઇન વ્યવહાર અને ચૂકવણી તથા બિલો વચ્ચેના તફાવતને પકડી પાડીને આ પ્રકારના દરોડા પાડવામાં આવ્યા હતા. વેપારીઓ જે વેચાણ કરે છે અને તેના વાસ્તવિક વેચાણ વચ્ચે ઘણો તફાવત હોય છે. વેપારીઓ વેચાણના સાચા આંકડા બતાવતા જ નથી.
તેના લીધે આજે પણ ફિલ્ડ ટીમને તેમા અંગે બાતમી તો મળે જ છે, પરંતુ તેની સાથે-સાથે ઓનલાઇન ટ્રેસિંગ પણ ચાલુ કરવામાં આવ્યું છે. આ રીતે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના અને ડેટા પ્રોસેસિંગના ઉપયોગની મદદથી કરચોરી પકડવામાં આવે છે.
જીએસટી કલેકશનની ચાલુ વર્ષની સરેરાશ ૧.૬૬ કરોડની રહી છે અને જીએસટી પોર્ટલ મુજબ કુલ ૧.૪૦ કરોડ વેપારીઓ નોંધાયેલા છે. જ્યારે કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી મુજબ દેશમાં નાના મોટા સહિત કુલ નોંધાયેલી કંપનીઓ અને એકમોની સંખ્યા છ કરોડ છે. આમ આગામી સમયમાં જીએસટી વેરા વસૂલીનો આંક બે લાખ કરોડ સુધી પહોંચાડવામાં આ પ્રકારના દરોડા હવે દૈનિક ધોરણે જુદા-જુદા સ્થળોએ જોવા મળે તેવી પૂરી સંભાવના છે.