તૃપ્તિ ડિમરીના માતા-પિતાએ જોઈ ‘એનિમલ’, ઈન્ટીમેટ સીન્સથી નારાજ થયા

ફિલ્મ ‘એનિમલ’એ રિલીઝના માત્ર છ દિવસમાં જ વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મમાં રણબીર કપૂર, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, બોબી દેઓલ, તૃપ્તિ ડિમરી મહત્વની ભૂમિકામાં છે. અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘એનિમલ’માં રણબીર સાથેના તેના ન્યૂડ અને ઇન્ટિમેટ સીન્સને કારણે ચર્ચામાં આવી છે.

સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ફિલ્મ ‘એનિમલ’ ન માત્ર બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે, પરંતુ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે. આ ફિલ્મના સીન અને ડાયલોગને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ અભિપ્રાયો વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. રણબીર કપૂર અને રશ્મિકા મંદાના વચ્ચેની કેમેસ્ટ્રીએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ સાથે જ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના રોલનો એક અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે.

તૃપ્તિએ ‘એનિમલ’માં રણબીર સાથે ન્યૂડ અને ઈન્ટીમેટ સીન આપ્યા છે. આ સીન્સના કારણે જ તે લાઇમલાઇટમાં આવી છે. તૃપ્તિ સોશિયલ મીડિયા પર રાતોરાત ‘નેશનલ ક્રશ’ બની ગઈ છે. પરંતુ હવે તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે તેના માતા-પિતાની પ્રતિક્રિયા વિશે જણાવ્યું છે.

આ ઈન્ટરવ્યુમાં તૃપ્તિએ કહ્યું કે, તેના માતા-પિતાએ ‘એનિમલ’ ફિલ્મ જોઈ હતી અને તેમાં તેના સીન જોયા બાદ તેઓ ચોંકી ગયા હતા. તૃપ્તીએ ખુલાસો કર્યો હતો કે તે રણબીર સાથેના અંતરંગ દ્રશ્યો જોઈને પેરેન્ટ્સ ચોંકી ગયા હતા. ‘બોલીવુડ હંગામા’ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં તૃપ્તીએ કહ્યું, “મારા માતા-પિતા થોડાં આઘાતમાં હતા. તેઓએ મને કહ્યું, અમે ક્યારેય ફિલ્મોમાં આવું કંઈ જોયું નથી અને તેં ક્યારેય આવો રોલ કર્યો નથી.

એ દ્રશ્યોના વિચારોમાંથી બહાર આવતા તેને થોડો સમય લાગ્યો. પણ તેઓ મને સમજી શક્યા. તેઓએ કહ્યું કે તારે આ સીન ન કરવો જોઈએ, પણ ઠીક છે. માતા-પિતા તરીકે આપણા માટે એવું લાગે તે સ્વાભાવિક છે.”

તૃપ્તિએ તેના માતા-પિતાને ભૂમિકા સમજાવી હતી. “મેં તેમને કહ્યું કે હું કંઈ ખોટું નથી કરી રહી. આ મારું કામ છે અને જ્યાં સુધી હું કમ્ફર્ટેબલ, સુરક્ષિત હોઉં ત્યાં સુધી મને આવા સીન કરવામાં કોઈ સમસ્યા નથી. હું એક અભિનેત્રી છું અને મારે એક રોલ માટે 100 ટકા આપવું પડે છે.” તેણે કહ્યું.

અગાઉના એક ઈન્ટરવ્યુમાં તૃપ્તીએ કહ્યું હતું કે ‘બુલબુલ’માં રેપ સીન ‘એનિમલ’ના ન્યુડ સીન કરતાં વધુ પડકારજનક હતો. તૃપ્તિએ એ પણ ખુલાસો કર્યો કે, સેટ પર આ સીન શૂટ કરતી વખતે માત્ર ચાર લોકો જ હાજર હતા. એેક મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, “મને લાગે છે કે બુલબુલમાં રેપ સીન શૂટ કરવું મારા માટે ખૂબ જ મુશ્કેલ હતું. કારણ કે તેમાં તમે હાર માનતા હોય તેવો સીન કરવો પડે છે તે કલાકાર માટે મુશ્કેલ હોય છે. એટલા માટે મને ‘એનિમલ’નો કોઈ સીન એ સીન કરતાં વધુ મુશ્કેલ લાગ્યો નથી.”