મારા પૈસા ક્યાં વાપરવા એ હું નક્કી કરીશ,નેપોટિઝમ પર રોષે ભરાયેલી ઝોયા

મુંબઇ, ઝોયા અખ્તરે ડિરેક્ટ કરેલી ’ધ આર્ચીઝ’ હાલમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ દ્વારા તેણે ત્રણ સ્ટાર કિડ્સને લૉન્ચ કર્યાં હતાં. છેલ્લા થોડા સમયથી બૉલીવુડમાં નેપોટિઝમ પર વિવાદ ચાલી રહ્યો છે. સ્ટાર કિડ્સને ફિલ્મોમાં સરળતાથી એન્ટ્રી મળી જાય છે, પરંતુ જેમનું ફિલ્મી બૅકગ્રાઉન્ડ નથી તેમને યોગ્ય તક નથી મળતી. નેપોટિઝમ પર રોષે ભરાઈને ઝોયાએ કહ્યું કે ’નેપોટિઝમ એટલે કોઈ વસ્તુ સુધીની પહોંચ હોય.એવામાં જે લોકોને કોઈ વસ્તુ ન મળી શકે તો તેમનો ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન બહાર નીકળે એ સ્વાભાવિક છે. એના પર ચર્ચા થવી જોઈએ. દરેકને એક્સરખું શિક્ષણ અને નોકરીની તક મળવી જોઈએ. તમે એમ કહો કે સુહાના ખાન આ ફિલ્મમાં ન હોવી જોઈએ.

તો શું એનાથી તમારી લાઇફમાં કોઈ પરિવર્તન આવવાનું છે? તમારે એ વિષય પર ચર્ચા કરવી જોઈએ જેનાથી તમારી લાઇફ બદલાઈ જાય. મારા ડૅડીએ સ્વબળે પોતાની કરીઅર બનાવી છે. મારો જન્મ થયો અને ઇન્ડસ્ટ્રીમાં મારો ઉછેર થયો.

મારે શું કરવું છે એનો નિર્ણય લેવાનો મને પૂરો અધિકાર છે. હું ફિલ્મમેકર બનવા માગું છું એને કારણે શું મારા પિતાનું અપમાન કરવામાં આવે? તમારો કહેવાનો અર્થ એ છે કે હું મારું પ્રોફેશન પણ પસંદ ન કરી શકું? ખરી સમસ્યા તો કાંઈ અલગ જ છે.

જો દરેક બાળક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જન્મ લે અને ફિલ્મોમાં કામ ન કરે તો એનાથી શું તમારી લાઇફમાં કોઈ ફરક પડવાનો છે? નેપોટિઝમ ત્યારે કહેવાય જ્યારે હું લોકોના પૈસાનો ઉપયોગ મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સને ફાયદો અપાવવા માટે કરું. મારા પૈસા હું ક્યાં વાપરું છું એ પૂછનારા તમે કોણ? આ મારા પૈસા છે. ભવિષ્યમાં જો મારે મારા પૈસા મારી ભત્રીજી પર ખર્ચ કરવાના હોય તો એ મારી મરજી. દર્શકો નક્કી કરશે કે તેઓ તેમને જોવા માગે છે કે નહીં.’