ધાનપુરના ઉધલમહુડા ગામના જંગલમાં દારૂના કટીંગ સ્થળે પોલીસે રેઈડ કરી 1.35 લાખનો દારૂ ઝડપ્યો

દાહોદ, દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ઉધલમહુડા ગામના જંગલમાં વિદેશી દારૂ તથા બીયરનું કટીંગ થતું હોવાની બાતમી પોલીસને મળતાં પોલીસે સ્થળ પર ઓચિંતી રેડ પાડતાં વિદેશી દારૂનું કટીંગ તેમજ હેરાફેરી કરી રહેલ ઈસમોમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી કુલ રૂા.1,35,500નો વિદેશી દારૂ ઝડપી પાડ્યાંનું જ્યારે આઠ જેટલા ઈસમો નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.

ગત તા.10મી ડિસેમ્બરના રોજ મહેશભાઈ ઉર્ફે બકો કોરમભાઈ બારીઆ (રહે. ટોકરવા, તા.ધાનપુર, જી.દાહોદ), જીજ્ઞેશભાઈ રાજુભાઈ કોળી, ઈશ્ર્વરભાઈ જાગીરીયાભાઈ કીરાડ, બાબુભાઈ જાગીરીયાભાઈ કીરાડ, અર્જનભાઈ દરીયાભાઈ કીરાડ, રાહુલભાઈ દુરસીંગભાઈ કીરાડ, લક્ષ્મણભાઈ પારસીંગભાઈ કનેશ તથા ગોવિંદભાઈ કલેશ (તમામ રહે. મધ્યપ્રદેશ) નાઓ ધાનપુર તાલુકાના ઉધલમહુડા ગામે આવેલ જંગલ વિસ્તારમાં વિદેશી દારૂ મંગાવી કટીંગ કરી, ડિલીવરી માટે ઉતારતાં હતાં. તે દરમ્યાન આ અંગેની બાતમી ધાનપુર પોલીસને મળતાં પોલીસ કાફલાએ જંગલ તરફ ઓચિંતી રેડ પાડતાં ઉપરોક્ત તમામ ઈસમો પોલીસને ચકમો આપી નાસી ગયાં હતાં. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.1042 કિંમત રૂા.1,35,500નો પ્રોહી જથ્થો કબજે કરી આ સંબંધે ધાનપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.