
દાહોદ,દાહોદ કલેકટર કચેરી ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષ સ્થાને સાંસદ આદર્શ ગ્રામ યોજનાની બેઠક યોજાઇ હતી. સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા તમામ અમલીકરણ અધિકારીઓને જણાવ્યુ કે, સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત પસંદ થયેલ ગામોમાં તમામ અમલીકરણ અધિકારીઓએ તેઓના વિભાગ શાખા અંતર્ગત કરવાની થતી કામગીરી માટે જે તે તાલુકાના તાલુકા વિકાસ અઘિકારી અને ચાર્જ અઘિકારી સાથે પરામર્શ કરી ગામોમાં બાકી રહેલ કામગીરી તેમજ તે કામગીરી પુર્ણ કરવા માટે આયોજન હાથ ઘરવાનુ રહેશે. સાથે સાથે તમામ અમલીકરણ અધિકારીએ ગામોમાં તેઓના વિભાગ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા નિયમિત રીતે સમ્યાંતરે કરવા જણાવ્યુ હતું.
વઘુમાં તમામ વિભાગોને સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતગર્ત પસંદ કરેલ ગામોમાં થયેલ કામગીરીની વિગતો તૈયાર કરવા તમામ અમલીકરણ અધિકારીઓને સુચના આપવામાં આવી. તેમજ ગામોમાં મેડીકલ કેમ્પ, પશુપાલન કેમ્પ, શાળાના બાળકો માટે ગણવેશ, પ્રાકૃતિક ખેતી, દુઘ મંડળી, પંચાયત ઘર, વિજળી, ચેકડેમ, સખીલોન, આવાસ, કેટલશેડ વિગેરે ઉપર વિશેષ ભાર મુકતા સાંસદ દ્વારા જણાવવામાં આવ્યુ કે, કામગીરીમાં બાકી રહેલ લક્ષ્યાંકો સત્વરે સિધ્ધ થાય તે માટે તમામ વિભાગને આયોજન કરવા સુચના આપવામાં આવી.
આ બેઠકમાં જીલ્લા કલેકટર ડો.હર્ષિત ગોસાવી, નિવાસી અધિક કલેકટર એ.બી.પાંડોર,જીલ્લા ગ્રામ એજન્સીના નિયામક બી.એમ.પટેલ, પ્રાંત અધિકારી ઓ સહિત સંબધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.