કાલોલ સ્મશાન ભૂમિ પાસે બેફામ ખનન ખનીજ વિભાગે છાપો મારતા રેતી ખાલી કરી ભાગેલ ટ્રેક્ટર ડ્રોન કેમેરા થી પકડાયું

  • વાડ જ્યારે ચીભડા ગળે ત્યારે શું કરવું ?
  • રેતી કાઢવાની લ્હાય મા સ્મશાનભૂમિ પાસેના વૃક્ષો નુ નિકંદન થતા સ્મશાન ગૃહ ને ખતરો હિંદુ સંગઠનો નારાજ.
  • કાલોલ શહેર અને તાલુકામાં ગેરકાયદેસર ખનનની વહેતી ગંગામાં ડૂબકી લગાવતા મોટા માથાઓ ની ચર્ચા.

કાલોલ,કાલોલ નગર પાસેથી પસાર થતી ગોમા નદીમાં રેતી ખનન કરતા ભૂમફિયાની વાતો થી સમગ્ર વહીવટી તંત્ર વાકેફ છે. તાજેતરમાં નાયબ કલેકટર દ્વારા મામલતદાર કચેરીમાં બેઠકો કરી ખનન અટકાવવા માટેની ગતિવિધિઓ તેજ કરી હતી. કાલોલ તાલુકાના કાતોલ અને બોરૂ પાસે રેલ્વે ટ્રેક નજીક મોટા માથાઓના આશીર્વાદ થી કરોડો રૂપિયાની રેતી માટીનું ખનન થોડા મહિના પહેલા થઈ ગયેલ છે અને હાલ આજ સ્થળે પુન: રેતી ઉલેચી લેવા મોટા માફિયાઓ હિટાચી મશીન લઈ ઉતરી પડ્યા છે, પરંતુ મીડિયાની ટીમ સ્થળ પર પહોંચી જતા તેઓની મેલી મુરાદ પૂરી થઈ નથી.

કાલોલ સ્મશાન ભૂમિના ખનન માફીયાઓના પાપે જળના સ્તર તો જમીનમાં ઉતર્યા પરંતુ નદી કાંઠે આવેલા વૃક્ષોને પણ જડમૂળ થી ઊખેડી પર્યાવરણનો નાશ કરવા જઈ રહ્યા છે. કાલોલ નગર પાસેથી પસાર થતી ગોમાં નદીમાં બેફામ રીતે ભૂમાફિયાઓ રેતી ચોરી કરતાં હોય છે. ભુસ્તરશાસ્ત્રીની રોયલ્ટી પાસ પરમિશન વગર બેફામ રીતે રોજિંદા હજારો ટન રેતી ઉલેચી લાખો રૂપિયા ની ચોરી કરી મોજમાં રહેતા હોય છે. ગોમા નદીના પટમાં રેતી ઉલેચી મોટા મોટા ધરા કરી દેવાયાં છે. તદુપરાંત રેતીના પટથી નદીના કિનારો તરફ રેતીની ગુફાઓ બનાવી કિનારાઓ પરના ઉભા વૃક્ષોનો પણ નાશ કરેલ છે. ત્યારે શનીવારે રજાના દિવસે બપોરના સમયે ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા ગોમા નદીના સ્મશાન ભૂમિ પાસે છાપો માર્યો હતો. છાપો મારતા જ એક રેતી ભરેલુ ટ્રેક્ટર ચાલક ખનીજ વિભાગની ટીમને જોઈ રેતી ખાલી કરી ભાગ્યો હતો. ત્યારે ખનીજ વિભાગની ટીમે ડ્રોન કેમેરા ઉડાડી ભાગતા ટ્રેક્ટર જીજે.17.બીએન.9485ને ચાલક સહિત ઝડપી પાડયું હતું અને મામલતદાર કચેરીમાં મુકાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહીતી મુજબ આ ટ્રેક્ટર અરવિંદભાઈ હસમુખભાઈ નાયક રે.કાલોલનું હોવાનુ અને ખ્યાતનામ ખનન માફીયાના કામમાં વપરાતું હોવાનું બહાર આવેલ છે. ત્યારે અંતિમ ધામ એવી સ્મશાન ભૂમિ કે જ્યાં મરણ બાદ તમામને જવાનું હોય છે. તેવો સ્મશાન ભૂમિમાં કરેલ બેફામ ખનનની તંત્ર દ્વારા માપણી કરાવી ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી હિંદુ સંગઠનોની પણ માંગ છે.