કાલોલ હાઈવે મલાવ રોડ પર અકસ્માતમાં બે યુવાનોના મોત

કાલોલ, કાલોલમાં શહેરના હાઈવે સ્થિત ગધેડી ફળિયા ચોકડી અને મલાવ રોડ પર અકસ્માત સર્જાતા બંને અકસ્માતમાં બે બાઈક ચાલકોના મોત નીપજયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના ભુખી ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે ભમો રામસિંહ જાધવ(ઉ.વ.38)હાલોલ ખાતે આવેલી એક ખાનગી કંપનીમાં નાઈટ શિફટ પુરી કરી મોટરસાયકલ પર ધરે જતો હતો. ત્યારે મલાવણી ગેંગડીયા ચોકડી વચ્ચે આવેલા આપેશ્ર્વર નજીક સામેથી આવતી એક બોલેરો પીકઅપના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક મહેન્દ્રસિંહ જાધવને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મલાવ સરકારી દવાખાનામાં સારવાર લઈ ગયા બાદ મોત નીપજયું હતુ.

જયારે સમડીયાની મુવાડી ગામના હિતેન્દ્રસિંહ કિશોરસિંહ ગોહિલ નોકરી પુરી કરીને ધરે આવીને પોતાના પિતરાઈ ભાઈ સાથે બેસણામાં જવા માટે કપડા લેવા પોતાની મોટરસાયકલ પર કાલોલ બજારમાં જવા નીકળ્યા હતા. એ સમયે ગધેડી ફળિયા ચોકડી પાસેથી પસાર થતાં પાછળથી એક પુરઝડપે આવેલ ટ્રક ચાલકે ટકકર મારતા મોટરસાયકલ યુવક પર ટ્રકના તોતિંગ પૈડા માથાના પાછળના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ થતાં કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બંને અકસ્માતોને પગલે મરણ જનારના પરિવારજનો દ્વારા કાલોલ અને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા અકસ્માત સર્જનાર ટ્રક ચાલક અને બોલેરો પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.