મુંબઇ, એક્ટર બોબી દેઓલે ફિલ્મ ’એનિમલ’માં એક પણ ડાયલોગ બોલ્યા વગર એટલો જબરદસ્ત અભિનય આપ્યો છે કે તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. દક્ષિણ સિનેમાના દિગ્ગજ દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા સાથે ફિલ્મ ’એનિમલ’માં કામ કર્યા બાદ અભિનેતા બોબી દેઓલને દક્ષિણ સિનેમાના અન્ય એક દિગ્ગજ દિગ્દર્શક રવિન્દ્ર બોબી દ્વારા નિર્દેશિત ફિલ્મ ’એનબીકે ૧૦૯’માં મજબૂત ભૂમિકા ભજવવાની તક મળી છે.
ફિલ્મ એનબીકે ૧૦૯’ દક્ષિણ સિનેમાના સ્ટાર નંદામુરી બાલકૃષ્ણાની કારકિર્દીની ૧૦૯મી ફિલ્મ છે. તેથી આ ફિલ્મને અસ્થાયી રૂપે એનબીકે ૧૦૯’ નામ આપવામાં આવ્યું છે. ’એનિમલ’ની જબરદસ્ત સફળતા બાદ હવે બોબી દેઓલ આ ફિલ્મમાં સાઉથ સિનેમાના સુપરસ્ટાર નંદામુરી બાલકૃષ્ણને ટક્કર આપતા જોવા મળશે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં બોબી દેઓલની ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હશે.
બોબી દેઓલે લાંબા સમય બાદ ફિલ્મ ’એનિમલ’થી સિનેમાઘરોમાં જોરદાર કમબેક કર્યું છે. ભલે આ ફિલ્મમાં બોબી દેઓલનો નાનો રોલ છે અને તેમાં કોઈ ડાયલોગ નથી. પરંતુ આ રોલ સાથે બોબી દેઓલે દર્શકોના દિલ પર એક અલગ જ છાપ છોડી છે. આ ફિલ્મ તેની કારકિર્દી માટે જીવનરક્ષક સાબિત થઈ છે. તેની એક્ટિંગના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.
આ ફિલ્મમાં અભિનેતા બોબી દેઓલ ઉપરાંત અભિનેત્રી ઉર્વશી રૌતેલા પણ એક ખાસ પાત્ર ભજવવાની છે. આ ફિલ્મ પહેલા ઉર્વશી રૌતેલાએ એક્ટર ચિરંજીવી અને રવિ તેજાની ફિલ્મ ’વોલ્ટર વીરૈયા’ના એક ગીતમાં સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઝલક બતાવી હતી, જ્યારે તમિલમાં તેણે ફિલ્મ ’ધ લિજેન્ડ’થી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.
મોટા પાયા પર બની રહેલી ફિલ્મ એનબીકે ૧૦૯’નું વાસ્તવિક બજેટ શું છે તે ખબર નથી, પરંતુ ઉર્વશી રૌતેલા તેના મિત્રો વચ્ચે દાવો કરી રહી છે કે આ ફિલ્મ ૩૦૦ કરોડ રૂપિયામાં બની રહી છે. આ ફિલ્મમાં અભિનેતા દુલકર સલમાનનો રોલ પણ ઘણો પડકારજનક હોવાનું કહેવાય છે.