ભરૂચ, બહારનું ખાવાના શોખીન લોકો માટે ફરી એક વખત ચેતવણીરૂપ ઘટના સામે આવી છે. એક વખત ફરી ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. આ વખતે સેન્ડવીચમાંથી મકોડા નીકળ્યા છે. અંકલેશ્ર્વરની ડિસેન્ટ હોટલમાં સેન્ડવીચમાંથી મકોડા નીકળ્યા છે. ગ્રાહકે સેન્ડવીચનો સ્વાદ લેતા પ્રથમ કોળિયા બાદ મકોડા દેખાયા હતા. સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહક રોષે ભરાયો હતો. સેન્ડવીચમાં મકોડા નીકળતા ગ્રાહકે રૂપિયા ૨૪૦ ચૂકવી બિલ મેળવી આક્રોશ ઠાલવ્યો હતો. આ મામલે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને વોટસઅપ મારફતે ફરિયાદ કરવા સાથે લેખિત રજૂઆત કરાઇ છે.
થોડા સમય અગાઉ ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલા હેલોસ પિઝામાં સૂપમાંથી વંદો નિકળ્યો હોવાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પિઝાની મજા માણતા યુવકોને અહીં કડવો અનુભવ થયો હતો. યુવકોએ રોષે ભરાઇને જ્યારે રેસ્ટોરેન્ટના રસોડામાં જોયું તો અહીંના ફ્રિજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય અને જીવાત જોવા મળી હતી. યુવકોએ હોબાળો મચાવતા હોટલના સંચાલકો પણ ત્યાંથી રફૂચક્કર થઇ ગયા હોવાનું સામે આવ્યું હતું. ખોરાકમાંથી જીવજંતુ નિકળતા હોવાના અનેક કિસ્સાઓ વારંવાર સામે આવી રહ્યા છે.
બીજી બાજુ, અમદાવાદની જાણીતી રેસ્ટોરન્ટ બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો વાયરલ થયો હતો. અમદાવાદની જ જાણીતી રિયલ પેપરિકા નામની રેસ્ટોરન્ટના બર્ગરમાંથી ઇયળ નીકળી હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જ્યારે વાલ વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિઝાના સલાડમાંથી ઇયળ નીકળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થયો હતો. આ વીડિયો સામે આવતાની સાથે લોકોમાં ઘણો જ રોષ જોવા મળ્યો હતો. આ બ્રિટિશ પિઝા નામની રેસ્ટોરન્ટ વાલ ગામ મેટ્રો સ્ટેશન પાસે આવેલી છે. બ્રિટિશ પિઝાના વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ હતુ કે, એક વ્યક્તિએ અનલિમીટેડ પિઝા પહેલા ત્યાં રાખેલું સલાડ ખાવાનું શરૂ કર્યુ હતુ. તેમણે એક પ્લેટમાં સલાડ લીધું જેમાં સફેદ રંગની નાની ઇયળ ફરતી દેખાઇ હતી.