દાહોદ શહેરના માણેક ચોક ખાતે હિટ એન્ડ રનની ઘટના

દાહોદ,દાહોદ શહેરના માણેક ચોક ખાતે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. રાત્રીના સમયે એક ઈકો ફોર વ્હીલર ગાડીના ચાલક સહિત તેમાં સવાર અન્ય 03 સહિત કુલ ચાર ઈસમોએ નશાની હાલતમાં ચાલક પોતાના કબજાની ઈકો ફોર વ્હીલર ગાડી પુરઝડપે હંકારી લાવતાં તે સમયે ત્યાંથી પસાર થતાં ચાર વ્યકિતઓને અડફેટમાં લેતાં ચારેય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં ત્યારે ઈકો ગાડીના ચાલકે નજીકમાં આવેલ પાનના ગલ્લાને પણ અડફેટમાં લીધાં હોવાનું જાણવા મળે છે.

ગતરોજ મોડી રાત્રીના સમયે દાહોદ તાલુકાના છાપરી ગામે રહેતો મનોજ નિનામા તથા તેની સાથે ઈકો ગાડીનો માલિક રાજેશ ઉર્ફે રાજુ ડાંગી તથા તેમની સાથે અન્ય બે ઈસમો મળી કુલ ચાર ઈસમો નશાની હાલમતાં ગાડીનો ચાલક મનોજ નિનામાએ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદ શહેરના માણેક ચોક ખાતેથી પસાર થઈ રહ્યાં હતાં. ઈકો ફોર વ્હીલર ગાડીની વધુ પડતી ઝડપના કારણે ગાડી પરના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં તે સમયે ત્યાંથી એક્ટીવા ટુ વ્હીલર ગાડી લઈ પસાર થઈ રહેલ વ્યક્તિને અડફેટમાં લીધાં બાદ રસ્તાની સાઈડમાં આવેલ પાનના ગલ્લા વિગેરેને પણ ગાડીના ચાલકે અડફેટમાં લેતાં આ માર્ગ અકસ્માતમાં ચાર વ્યક્તિઓને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને પગલે સ્થળ પર રાત્રીના સમયે લોકટોળા ઉમટી પડ્યાં હતાં અને સ્થાનીક લોકો ભેગા થઈ જતાં માર્ગ અકસ્માત સર્જનાર ગાડીના ચાલક મનોજ નિનામાને સ્થાનીકોએ ઝડપી પાડી મેથીપાક પણ ચખાડ્યો હતો ત્યારે તેની સાથેના અન્ય ઈસમો નાસી ગયાં હતાં. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગાડીના ચાલક મનોજ નિનામાની અટકાયત કરી તેને પોલીસ મથકે લાવી આ સંબંધે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.