ગોધરા, દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે રહેતી શહેરાની પરિણીતાને દહેજની માંગણી કરીને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરા નગરમાં આવેલી સિંધી સોસાયટીમાં રહેતા 28 વર્ષીય પરિણીતાના લગ્ન દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલ મીઠા ચોક બ્રાહ્મણ ફળિયામાં રહેતા દુર્ગેશ કનૈયાલાલ સંતરામદાસ ઠક્કર નામના વ્યક્તિ સાથે છ માસ અગાઉ થયા હતા, લગ્ન થયાના ત્રણ માસ સુધી સાસરિયાઓએ પરિણીતા સાથે સારો વ્યવહાર કર્યો હતો, જે બાદ પતિ દુર્ગેશ ઠક્કર, સસરા કનૈયાલાલ ઠક્કર અને ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી હરિકૃષ્ણ સોસાયટીમાં રહેતા નણંદ નીલમ નિતેશ જામનાણી પરિણીતાને જણાવતા હતા કે, તું તારા પિતાના ઘરેથી દહેજમાં કઈ લાવી નથી, તો બે લાખ રૂપિયા દહેજપેટે લઈ આવ, જ્યારે દુર્ગેશ ઠક્કર પરિણીતાને જણાવતો હતો કે તું મને ગમતી નથી, મારે બીજી પત્ની લાવવાની છે, જ્યારે સસરા અને નણંદ પણ મેણા ટોણા મારીને પરિણીતાના પતિને ચઢામણી કરતા દુર્ગેશ ઠક્કર પરિણીતા સાથે ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો, આમ તમામ સાસરિયાઓએ ભેગા મળીને પરિણીતાને ઘરમાંથી કાઢી મૂક્યા હતા, સમગ્ર મામલે પરિણીતાએ ગોધરા મહિલા પોલીસમથકે તમામ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.