’પુષ્પા’ ફેમ એક્ટર જગદીશની છેડતીના આરોપમાં ધરપકડ કરાઇ

મુંબઇ, ફિલ્મ ’પુષ્પા’માં અલ્લુ અર્જુનના બેસ્ટ ફ્રેન્ડ કેશવની ભૂમિકા ભજવનાર એક્ટર જગદીશ પ્રતાપ ભંડારીની ધરપકડ કરવામાં આવી છે. જો રિપોર્ટ પર વિશ્ર્વાસ કરવામાં આવે તો હૈદરાબાદની પુંજગુટ્ટા પોલીસે તેમની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે.જગદીશ પર હૈદરાબાદના એક જુનિયર આર્ટિસ્ટના પ્રાઇવેટ ફોટો કેપ્ચર કરવાનો આરોપ છે. આટલું જ નહીં, તેણે જુનિયર આર્ટિસ્ટને પણ તે જ ફોટા બતાવીને હેરાન-પરેશાન કરી હતી.અન્ય વ્યક્તિની હાજરીમાં તેમણે મહિલાને તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ કરવાની ધમકી પણ આપી હતી. જે બાદ જુનિયર આર્ટિસ્ટે ૨૯ નવેમ્બરે આત્મહત્યા કરી હતી.

હાલમાં જગદીશ ’પુષ્પા-૨’ના શૂટિંગમાં વ્યસ્ત હતો. ફિલ્મના બીજા પાર્ટમાં પણ તેની અગત્યની ભૂમિકા છે. હવે તે આ ફિલ્મમાં જોવા મળશે કે પછી તેની ભૂમિકા અન્ય કોઈ અભિનેતા ભજવશે તે એક મોટો પ્રશ્ર્ન છે.

અત્યાર સુધી આ સમગ્ર મામલે અભિનેતા અને તેની ટીમ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે જુનિયર આર્ટિસ્ટ જગદીશની ગર્લફ્રેન્ડ હતી. આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. અગાઉ જ્યારે પોલીસને આ આત્મહત્યાના સમાચાર મળ્યા તો તેમણે તરત જ તેની તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને જાણવા મળ્યું કે અભિનેતા જગદીશ તે આર્ટિસ્ટ ને હેરાન કરતો હતો.આ પછી પોલીસે ગત બુધવારે જગદીશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટના આદેશ પર અભિનેતાને ૧૪ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો હતો.

જગદીશે વર્ષ ૨૦૧૮માં વેબ સિરીઝ ’નિરુદયયોગ નટુલુ’થી અભિનયની શરૂઆત કરી હતી. આ પછી તે સુપરહિટ તેલુગુ ફિલ્મ ’પલાસા ૧૯૭૮’માં પણ જોવા મળ્યો હતો. આ પછી, તેમણે પેન ઈન્ડિયા રિલીઝ ’પુષ્પા: ધ રાઈઝ’ સાથે દેશભરમાં ઓળખ મેળવી હતી. આ ફિલ્મમાં તેમણે પુષ્પાના સૌથી નજીકના મિત્ર કેશવની ભૂમિકા ભજવી હતી.