એસ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરી શ્રીસંતે ગૌતમ ગંભીરને સોશિયલ મીડિયા પર આડે હાથ લીધો છે. તેણે ગંભીરની પરવરીશ પર સવાલ ઉઠાવ્યા છે. લેજેન્ડ્સ લીગ ક્રિકેટ મેચ દરમિયાન શ્રીસંત અને ગંભીર વચ્ચે ઝઘડો થયો હતો. જે બાદ આ વિવાદ સામે આવ્યો હતો. શ્રીસંતે અન્ય એક વીડિયોમાં કહ્યું કે ગંભીર તેને વારંવાર ટોન્ટ મારી રહ્યો હતો. આ બાદ શ્રીસંતે પણ ગૌતમ ગંભીરની પોસ્ટ પર લાંબી કોમેન્ટ કરી હતી.
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ શ્રીસંત અને ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીર વચ્ચે લિજેન્ડ્સ લીગ ક્રિકેટ (LLC) મેચ દરમિયાન ઝઘડો થયો હતો. સુરતના મેદાન પર રમાયેલી એલિમિનેટર મેચમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગંભીર ઈન્ડિયા કેપિટલ્સનો કેપ્ટન છે જ્યારે શ્રીસંત ગુજરાત જાયન્ટ્સ તરફથી રમતા હતા.
ઈન્ડિયા કેપિટલ્સનો 12 રને વિજય થયો હતો. વિવાદ બાદ શ્રીસંતે સોશિયલ મીડિયા પર બે વીડિયો શેર કરીને ગંભીર પર અનેક આરોપો લગાવ્યા છે. આ સાથે જ શ્રીસંતની પત્ની ભુવનેશ્વરીએ પણ ગંભીર પર પ્રહારો કર્યા છે. તેણે ગંભીરના ઉછેર પર સવાલ ઉઠાવ્યા હતા.
શ્રીસંતે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં જણાવ્યું હતું કે, “મિસ્ટર ફાઇટર સાથે શું થયું તે વિશે માત્ર સ્પષ્ટતા કરવા માંગુ છું.” તે હંમેશા તેના સાથી ખેલાડીઓ સાથે લડે છે. કોઈપણ કારણ વગર. તે વીરુભાઈ સહિતના પોતાના વરિષ્ઠ ખેલાડીઓનું પણ સન્માન નથી કરતો. આ ઘટનામાં પણ બરાબર એવું જ થયું. કોઈપણ ઉશ્કેરણી વિના, તે મને એવી વાતો કહેતો રહ્યો જે ખૂબ જ અસંસ્કારી હતી. ગૌતમ ગંભીરે આવું ના બોલવું જોઈતું હતું.” ભુવનેશ્વરીએ શ્રીસંતના આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ગંભીરને આડે હાથ લીધો હતો.
ભુવનેશ્વરીએ લખ્યું, “શ્રી તરફથી સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે ભારત માટે ઘણા વર્ષોથી તેમની સાથે રમનાર ખેલાડી આ સ્તરે જઈ શકે છે. સક્રિય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના આટલા વર્ષો પછી પણ. છેવટે, વાલીપણું ઘણું મહત્વનું છે અને જ્યારે આ પ્રકારનું વર્તન જમીન પર સામે આવે છે ત્યારે તે દેખાય છે. આ ખરેખર ચોંકાવનારું છે.”
તમને જણાવી દઈએ કે આઈપીએલ 2013માં સ્પોટ-ફિક્સિંગ કૌભાંડમાં કથિત સંડોવણીને કારણે BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ)ની અનુશાસન સમિતિએ શ્રીસંત પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે 2019માં આ પ્રતિબંધ ઘટાડીને સાત વર્ષનો કરી દીધો હતો.
શ્રીસંતે અન્ય એક વીડિયોમાં કહ્યું કે ગંભીર તેને વારંવાર વાત ઉસકેરી રહ્યો હતો. શ્રીસંત તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઇવ આવ્યો અને કહ્યું, “તે મને લાઇવ ટીવી પર ‘ફિક્સર ફિક્સર’ કહેતો રહ્યો, તમે ફિક્સર છો.” મેં હમણાં જ કહ્યું, તમે શું કહો છો. હું રમૂજી રીતે હસતો રહ્યો. જ્યારે અમ્પાયરો તેને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેણે પણ તેમની સાથે આ જ ભાષામાં વાત કરી હતી.તેમણે વધુમાં કહ્યું હતું કે, મેં કોઈ અપશબ્દોનો ઉપયોગ કર્યો નથી. કૃપા કરીને સત્યને સમર્થન આપો. તે ઘણા લોકો સાથે આવું કરતો આવ્યો છે. મને ખબર નથી કે તેણે શા માટે શરૂઆત કરી અને તે ઓવરના અંતે થયું.
શ્રીસંતે કહ્યું, “હવે તેના લોકો કહે છે કે તેણે ‘સિક્સર સિક્સર’ કહ્યું છે, પરંતુ તેણે કહ્યું ‘તમે ફિક્સર’, તમે ફિક્સર છો.” આ વાત કરવાની રીત નથી. હું આ ઘટનાને અહીં સમાપ્ત કરવાનું વિચારી રહ્યો છું પરંતુ તેના લોકો તેને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બીજી તરફ શ્રીસંતે પણ ગૌતમ ગંભીરની ઇનસ્ટાગ્રામ પોસ્ટ પર કોમેન્ટ કરી છે. અને તેમાં તેને કહ્યું છે કે ગૌતમ ગંભીરે સ્પોર્ટમેનશીપ અને ભાઈ તરીકેની તમામ હદો વટાવી દીધી છે.