મહેસાણા જિલ્લામાં તાજેતરમાં જ કુટુંબ નિયોજનના ખોટા આંકડાઓ દર્શાવ્યા હોવાનુ સામે આવ્યુ હતુ. હવે મહેસાણા જિલ્લામાં નકલી ડિગ્રી વડે નોકરી કરતા હેલ્થ વર્કરનો મામલો સામે આવ્યો છે. ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણામાં ફરજ બજાવી રહેલા આવા નકરી ડિગ્રી ધારી હેલ્થ વર્કરને છૂટા કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે.
નકલી! નકલી! અને નકલી! આ શબ્દએ જાણે કે વર્ષ 2023 માં પરેશાન કરી દીધા છે. કાગળ પર કુટુંબ નિયોજનના ઓપરેશન કરી ખોટા આંકડાઓની માયાજાળ રચ્યા બાદ મહેસાણા આરોગ્ય વિભાગ ફરી ચર્ચામાં આવ્યુ છે. મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા હેલ્થ વર્કરોમાં કેટલાક નકલી ડિગ્રી ધરાવતા હોવાનુ સામે આવ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે હવે 11 હેલ્થ વર્કરને છૂટા કરવા માટે નોટીસ આપી છે. આ માટે આ કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે.
ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં 10 વર્ષથી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આ કર્મીઓને છૂટા કેમ ના કરવા એ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેઓએ તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીઓની ડીગ્રીઓ પર નોકરી મેળવી હોવાનુ ધ્યાને આવ્યુ છે.
આ યુનિવર્સિટીની ડિગ્રીઓ ભરતી સમયે રજૂ કરાઈ
- વિનાયક મિશન યુનિવર્સિટી, સેલમ, તામિલનાડુ
- હિમાલયન યુનિવર્સિટી, ઈટાનગર, અરુણાચલ પ્રદેશ
- સાંધાઈ યુનિવર્સિટી, મણીપુર
- માનવ ભારતી યુનિવર્સિટી, સુલતાનપુરા, હિમાચલ પ્રદેશ
નકલી ડીગ્રીઓ સાથે નોકરી મેળવનાર હેલ્થ વર્કર
- કલ્પેશ પ્રવિણસિંહ રાઠોડ
- ચિરાગ ભરતભાઈ વ્યાસ
- સંદીપ ભુપતભાઈ ઝાલા
- કુચિત વિનોદકુમાર ચૌધરી
- અજમલ હરિસિંગભાઈ પટેલ
- ભુપેન્દ્ર મનુભાઈ મકવાણા
- ગૌતમ નટવરભાઈ પ્રજાપતિ
- સાગરકરમશીભાઈ રાવળ
- યોગેશ ભગવતચંદ્ર પટેલ
- ચિંતક કાંતિલાલ પટેલ
- પ્રગ્નેશ કનુભાઈ પટેલ